આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ખેડૂતોએ એકઠા થઈને ખેતરોમાં દબાયેલી ગેસ પાઇપલાઇનોને ટ્રેક્ટરો સાથે બાંધીને ખેતરની બહાર ખેંચી કાઢી ફેંકી દીધી છે. ધોળકા તાલુકાના સરગવાળા ગામે સરકારની જી.એસ.પી.સી. (GSPL) કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર મોંઘીદાટ જમીનોમાં ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન નાંખવાની જોહુકમી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વીઘાના દોઢ-દોઢ કરોડ રૂપિયાની કિંમતી જમીન ધરાવતા સ્થાનિક ખેડૂતો છેલ્લા એક મહિનાથી આ અન્યાય સામે સતત લડત ચલાવી રહ્યા હતા. આ મુદ્દે કલેક્ટર, મામલતદાર અને સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ કે ન્યાય ન મળતા, આખરે ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ કાયદો હાથમાં લીધા વિના પોતાનો હક છીનવી લીધો છે. વાવણીનો સમય થઈ ગયો હોવાથી અને ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં સમગ્ર ગામના ખેડૂતોએ એકઠા થઈને ખેતરોમાં દબાયેલી ગેસ પાઇપલાઇનોને ટ્રેક્ટરો સાથે બાંધીને ખેતરની બહાર ખેંચી કાઢી ફેંકી દીધી છે.
આ તકે ’આપ’ પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ સરકારને આકરા શબ્દોમાં ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે, આ તો હજી માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી આખું બાકી છે! તેમણે સ્પષ્ટ કર્યું કે આ લડાઈ વળતર મેળવવાની નથી, પરંતુ ખેડૂતોના અસ્તિત્વની અને જમીન બચાવવાની લડાઈ છે; જો કંપની ૧ વીઘાના ૧૦ કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતો હવે અહીં કામ ચાલુ થવા દેશે નહીં. ખેડૂતોની સહનશક્તિની સીમા હવે આવી ગઈ છે. જો આવનારા દિવસોમાં જી.એસ.પી.એલ. કંપની આ પાઇપલાઇનો કાયમી ધોરણે બહાર નહીં કાઢે, તો આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટરો લઈને તમામ પાઇપલાઇનો ઉખાડી ફેંકશે. બ્રિજરાજ સોલંકીએ ઉમેર્યું કે, અમે અહિંસાના માર્ગે ચાલનારા લોકો છીએ, પરંતુ જો સરકાર અમારી વાજબી વાત નહીં સાંભળે તો ખેડૂતોના હક માટે શહીદ ભગતસિંહના માર્ગે ચાલતા પણ અમને અચકાટ નહીં થાય.





