દેશભરમાં વરસાદનો કહેર મુંબઈથી કાશ્મીર સુધી વરસાદે મચાવી તબાહી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ, નાસિકમાં મંદિરો બંધ, કાશ્મીરમાં વાદળ ફાટ્યું; અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરતાં સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને કોંકણ રૂટ પર વાહનવ્યવહારને અસર પહોંચી છે. અનેક ટ્રેનો અને વાહનો અટવાઈ જતાં હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમજ સાવચેતીના ભાગરૂપે અનેક શાળાઓ અને કોલેજાેમાં રજા જાહેર કરવામાં આવી છે.
નાસિક જિલ્લામાં પણ ભારે વરસાદ અને વાદળ ફાટવાની સંભાવનાને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્ર્યંબકેશ્વર, સપ્તશૃંગી સહિતના ધાર્મિક સ્થળો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓની અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને કેટલાક બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટતાં અનેક મકાનો, વાહનો અને માર્ગોને નુકસાન થયું છે. પાણીના જાેરદાર પ્રવાહને કારણે કાદવ અને કાટમાળ ફેલાઈ જતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે. માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા, નદી-નાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.





