છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પરિસ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સતત મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના તંત્ર સાથે સંપર્કમાં રહીને મોનિટરિંગ કરી રહ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, રાહત કમિશનર શ્રી ગૌરાંગભાઈ મકવાણા, GSDMAના CEO શ્રી ધવલભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી રહ્યા છે.
તાપી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે અંગે રાજ્ય સરકાર વતી મંત્રીશ્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે, નદી, નાળા કે કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેને ઓળંગવાનું જોખમ ન લેવું. તેમણે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સમયસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તથા કોઈપણ મુશ્કેલીના સમયે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નંબરો પર સંપર્ક કરી મદદ માંગવા માટે અનુરોધ કર્યો હતો.
રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ ૧૧ જિલ્લાઓમાં આજે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે, જ્યાં આજે રાત્રે પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લાઓને ‘ઓરેન્જ ઝોન’માં રાખવામાં આવ્યા છે.
આંકડાકીય વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,
– સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીના આંકડા મુજબ, નવસારીના ખેરગામમાં ૧૬ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૧૫ ઇંચ અને વલસાડના ઉમરગામમાં ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે.
– વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારી લેવામાં આવી છે તથા બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તંત્ર સજ્જ છે.
– વલસાડમાં ૩ NDRF અને ૫ SDRFની ટીમો કાર્યરત છે.
– કેન્દ્ર સરકારની મદદથી વધુ ૪ NDRFની ટીમો એરલિફ્ટ કરીને સુરત લાવવામાં આવી રહી છે, જેમાંથી ૨ ટીમ વલસાડ, ૧ નવસારી અને ૧ સુરત ખાતે તૈનાત રહેશે.
– આ ઉપરાંત, આર્મીની બે કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરી દેવામાં આવી છે.
– અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૧૨,૦૦૦ થી વધુ અને નવસારી જિલ્લામાં ૧૦,૦૦૦ થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
– વલસાડમાં ૨૦૦થી વધુ અને નવસારીમાં ૫૦થી વધુ પાણીમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.
– રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે GSDMA હસ્તકની ૨૫ બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે, જેમાંથી જરૂર જણાયે કેટલીક બોટ્સ નવસારી ખાતે ડિપ્લોય કરવામાં આવશે.
– રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના ૩૬% જેટલો થાય છે.
– વોટર ઓવરટોપિંગ સહિતના કારણોસર રાજ્યમાં હાલ ૧,૨૦૦ જેટલા રસ્તાઓ બંધ છે. જેમાંથી, મોટાભાગના રસ્તા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના છે.
– જેમ જેમ પાણી ઓસરશે તેમ રસ્તાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
– સાવચેતીના ભાગરૂપે અને જાન-માલની હાનિ રોકવા માટે, જે જિલ્લાઓ ‘રેડ ઝોન’ અને ‘ઓરેન્જ ઝોન’ માં છે ત્યાં તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
– નાગરિકોને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી કરવામાં આવી છે.





