આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરમાં ડોર ટુ ડોર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં ચૂંટણીના ઉમેદવારો, પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના વિચારો તથા નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત આજે ડોર ટુ ડોર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના 56,000 બુથને મજબૂત કરવા માટે સતત સંગઠનાત્મક કામગીરી કરી રહી છે અને પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકો સુધી પહોંચી રહ્યા છે. ગાંધીનગરમાં પણ આમ આદમી પાર્ટીના ચૂંટણીના ઉમેદવારો, પ્રદેશ અને સ્થાનિક પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું અને જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનું કામ કરશે.




