દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય ૭.૫ મિલિયન ડોલર વટાવી ગઈ શ્રીલંકાના તમામ પચ્ચીશે પચ્ચીશ પ્રાંતોમાં આ સહાય પહોંચશે શ્રીલંકાના વિકાસ કાર્યો માટે ભારત તરફથી અપાતી સહાય ૭.૫ બિલિયન ડોલર વટાવી ગઇ છે. શ્રીલંકાના તમામ પચ્ચીશે પચ્ચીશ પ્રાંતોમાં આ સહાય પહોંચશે. ભારતના શ્રીલંકા સ્થિત હાઈ કમિશનર સંતોષ ઝાએ શ્રીલંકાના મઝદૂર અને વિદેશ રોજગારી વિભાગના મંત્રી, અનિલ જયન્થા ફર્નાન્ડોની ઉપસ્થિતિમાં (શનિવારે) પત્રકાર પરિષદમાં આજે આ માહિતી આપી હતી. તેઓએ આગળ કહ્યું હતું કે આ પૈકી ૮૫૦ મિલિયન ડૉલરની સહાય તો ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. જે શ્રીલંકાના ૨૫ પ્રાંતોમાં ભારતે હાથ ધરેલી વિવિધ પરિયોજનાઓ જેવી કે રેલવે, હાઉસિંગ, શિક્ષણ, આરોગ્ય, ઊર્જા ક્ષેત્ર અને જીવન ધોરણ ઉન્નતિ માટે અપાશે.
સંતોષ ઝાએ આ વિગતો તેઓના X પ્લેટફોર્મ ઉપર પણ મૂકી હતી. આ પૂર્વે જુલાઈ ૨૧ના દિવસે સંતોષ જાએ કોલંબો પ્લાનનાં નવ નિયુક્ત સેક્રેટરી જનરલ ચૂલામણી ચર્ન સુવાન સાથે પણ મંત્રણા કરી હતી, અને તે પ્રાદેશિક જૂથને ભારતના પૂરેપૂરા ટેકાની ખાતરી આપી હતી. આ કોલંબો પ્લાનની ૭૫મી જયંતિ નિમિત્તે સંતોષ ઝાએ ભારત તરફથી આ વચન આપ્યું હતું. આ કોલંબો પ્લાનમાં ૨૬ દેશો સભ્ય પદ છે. તેમાં સાઉથ સાઉથ કોઓપરેશન માનવ સંસાધન વિકાસ પારસ્પરિક સહકારના મુદ્દાઓ આવરી લેવાયા છે. આ એક ઇન્ટર ગવર્નમેન્ટલ બોડી છે. જેમાં સરકારો વચ્ચે સમજૂતીઓ સાધવામાં આવે છે. આ ઉપરાંત સંતોષ ઝા અને શ્રીલંકાના આરોગ્ય મંત્રી અનિલ જવસિંઘે વચ્ચે પણ થયેલા એમ.ઓ.યુ. પ્રમાણે શ્રીલંકાનાં દેનીયાયામાં એક વિશાળ હોસ્પિટલ બાંધવા અંગે પણ કરારો થયા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રીલંકા ડોલરની અભૂતપૂર્વ કટોકટી વેઠી રહ્યું હતું ત્યારે ભારતે અઢળક સહાય કરી હતી. તેના ઓઇલ ડીપોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન પણ પહોંચાડયાં હતાં. તે સમયે શ્રીલંકાના એક સમયના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું હતું કે ભારતે તેની મોટાભાઈ તરીકેની ભૂમિકા ખરા અર્થમાં ભજવી છે. જુઓ ચીનનો તાઈવાન સાથે વ્યવહાર કેવો છે અને ભારતનો શ્રીલંકા સાથેનો વ્યવહાર કેવો છે.





