ભારતે સ્વદેશી ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજીમાં આર્ત્મનિભરતા તરફ ઐતિહાસિક પગલું DRDO નું ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ ટર્બોજેટ એન્જિન તૈયાર; ક્રૂઝ મિસાઇલ અને હાઈ-સ્પીડ ડ્રોનને મળશે નવી શક્તિ
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં સ્વદેશી ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે.
આ એન્જિનના વિકાસ સાથે ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જે મિસાઇલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિનનું ડિઝાઇન અને ઉત્પાદન સ્વદેશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિદ્ધિ દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘આર્ત્મનિભર ભારત’ અભિયાનને પણ નવી દિશા આપશે.
આ એન્જિનનું ડિઝાઇન DRDO ની બેંગલુરુ સ્થિત ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે તેનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની આઝાદ એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્સપેન્ડેબલ (સિંગલ-યુઝ) ટર્બોજેટ એન્જિન છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ક્રૂઝ મિસાઇલ, લોઈટરિંગ મ્યુનિશન (સુસાઇડ ડ્રોન), ટાર્ગેટ ડ્રોન અને હાઈ-સ્પીડ માનવરહિત વિમાનો માં કરવામાં આવશે.
ટર્બોજેટ એન્જિન એરોસ્પેસ ક્ષેત્રની સૌથી જટિલ ટેક્નોલોજીમાંનું એક માનવામાં આવે છે. આ એન્જિન હવામાંથી ઓક્સિજન ખેંચી તેને કમ્પ્રેસ કરે છે અને બળતણ સળગાવી સતત થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા માટે ઉચ્ચ સ્તરની એન્જિનિયરિંગ, વિશેષ ધાતુઓ અને અત્યંત ચોકસાઈયુક્ત ઉત્પાદન ક્ષમતાની જરૂર પડે છે. આ કારણે આ ટેક્નોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા મર્યાદિત દેશો પાસે જ ઉપલબ્ધ હતી.
આ સ્વદેશી ટેક્નોલોજીના વિકાસથી ભારતની વિદેશી ર્નિભરતા ઘટશે અને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
દેશમાં જ ઉત્પાદન થવાને કારણે મિસાઇલ અને ડ્રોન સિસ્ટમ્સ ઓછી કિંમતમાં અને વધુ ઝડપથી તૈયાર કરી શકાશે. ભવિષ્યમાં લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલ, હાઈ-સ્પીડ ડ્રોન અને એર ડિફેન્સ ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા ટાર્ગેટ ડ્રોનની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે.
નિષ્ણાતોના મતે આ પ્રોજેક્ટ માત્ર એક નવું એન્જિન નથી, પરંતુ ભારતની સ્વદેશી ગેસ ટર્બાઇન ટેક્નોલોજી માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ અનુભવ ભવિષ્યમાં ફાઈટર જેટ માટે વધુ શક્તિશાળી સ્વદેશી એન્જિન વિકસાવવા અને દેશના કાવેરી એન્જિન જેવા પ્રોજેક્ટોને પણ ગતિ આપશે.





