ઇઝરાયેલનો સ્પષ્ટ ઇનકાર: ટ્રમ્પે કરેલા નિ:શસ્ત્રીકરણ કરાર સામે વાંધો હમાસ શસ્ત્રો હેઠાં મૂકે તે પછી જ ગાઝામાંથી સૈન્ય પાછું ખેંચાશે ટ્રમ્પની ૨૦ મુદ્દાની યુદ્ધવિરામ યોજના મુજબ હમાસ પોતાના હથિયારો હેઠા મૂકશે અને તેની વિશાળ સુરંગ વ્યવસ્થાને નાશ કરશે અને ઇઝરાયેલી મિલિટરી ગાઝામાં પીછેહટ કરશે હમાસ સાથે સૂચિત નિ:શસ્ત્રીકરણ કરાર અંગે અમેરિકા સમક્ષ ગંભીર સુરક્ષા ચિંતા વ્યક્ત કરતાં ઇઝરાયેલે જણાવ્યું છે કે ગુપ્તચર માહિતી મુજબ હમાસ નિ:શસ્ત્રીકરણ કરવાને બદલે પોતાની મિલિટરી તાકાત ફરીથી ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. હમાસનું સંપૂર્ણપણે નિ:શસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલી આર્મી ગાઝામાંથી પીછેહઠ નહીં કરે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં આ કરારની જાહેરાત કર્યા પછી ઇઝરાયેલની આ પ્રથમ જાહેર પ્રતિક્રિયા હતી. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા ડોરોન સ્પીલમેને જણાવ્યું હતું કે અમારું મૂલ્યાંકન છે કે જાે હમાસ સંપૂર્ણપણે નિ:શસ્ત્ર થાય તે પહેલાં અમે અમારી સેનાને પાછી ખેંચી લઈએ, તો તે ઝડપથી સમગ્ર ગાઝામાં પોતાની હાજરી વિસ્તારી દેશે, ફરીથી આતંકવાદી માળખું ઊભું કરશે તથા ઇઝરાયેલી સમુદાયોને ફરીથી ધમકી આપશે અને ૭ ઓક્ટોબર જેવી બીજી ઘટના કરવાનો પ્રયાસ કરશે. તેમણે ૨૦૨૩માં થયેલા એ હુમલાનો ઉલ્લેખ કર્યાે હતો, જેના કારણે ગાઝામાં ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું હતું.થોડા દિવસો પહેલા હમાસે જણાવ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર હેઠળ તે નિ:શસ્ત્રીકરણ ચાલુ કરશે. આ કરાર લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે નવ મહિના પહેલાં કરાયો હતો. આ ઘટનાક્રમ સંઘર્ષના અંત તરફ સંભવિત મોટી પ્રગતિ તરીકે જાેવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ અનેક પડકારો, શરતો અને લાંબી સમયમર્યાદા બાકી છે.ટ્રમ્પની ૨૦ મુદ્દાની યુદ્ધવિરામ યોજના મુજબ હમાસ પોતાના હથિયારો હેઠા મૂકશે અને તેની વિશાળ સુરંગ વ્યવસ્થાને નાશ કરશે અને ઇઝરાયેલી મિલિટરી ગાઝામાં પીછેહટ કરશે. આ ઉપરાંત તેમાં નવી ટેન્કોક્રેટિક પેલેસ્ટિનિયન સરકારની રચના, આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતી અને યુદ્ધથી ભારે નુકસાન પામેલા ગાઝાના પુનર્નિર્માણની પણ યોજના છે. હમાસનું નિ:શસ્ત્રીકરણ લાંબા સમયથી મુખ્ય વિવાદનો મુદ્દો રહ્યું છે અને તેના કારણે મહિનાઓથી વાટાઘાટો અટવાઈ ગઈ હતી. પેલેસ્ટિનિયન સમિતિના આગમન અને આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી બાદ ભારે હથિયારોને નિષ્ક્રિય કરીને સંગ્રહિત કરવાની તેમજ સૈન્ય ઉત્પાદન કેન્દ્રો અને સુરંગોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થશે. કરાર અનુસાર આ પ્રક્રિયા ઇઝરાયેલી સેનાની તબક્કાવાર પીછેહઠ સાથે જાેડાયેલી રહેશે.





