જિનપિંગ અમેરિકા પહોંચે એ પહેલા જ યુએસ પ્રમુખે ‘બોમ્બ’ ફોડ્યો અમે ચીનની જાસૂસી કરીએ છીએ : અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ‘કોઈએ મને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે, કદાચ ચીન આવું કરતું હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે’ : ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાતને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વના નિવેદનો આપ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને આગામી મુલાકાતને લઈને અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે.ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને મને પૂરી આશા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. પ્રમુખ શી સાથે અમારા સારા સંબંધ રહ્યા છે અને તેમની આ મુલાકાત ખૂબ જ સારી રહેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા અલગ-અલગ મહત્ત્વપૂર્ણ કરારો અને સમજુતીઓ થવાની સંભાવના છે.’ ચીન સાથેના વેપાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેના કારણે ચીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકા આવું કરવા માંગતુ ન હતુ.ચીન દ્વારા જાસૂસી કરવાના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પે હળવાશથી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈએ મને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે, કદાચ ચીન આવું કરતું હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.’મીડિયા રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ શુક્રવારે માહિતી આપી હતી કે પ્રમુખ ટ્રમ્પ આવતા અઠવાડિયે વૉશિંગ્ટન ડીસીની બહાર આવેલા ‘જૉઇન્ટ બેઝ એન્ડ્રૂઝ’ ખાતે પહોંચતી વખતે શી જિનપિંગનું એરપોર્ટ પર જાતે સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ વિદેશી નેતાનું એરપોર્ટ પર અમેરિકન પ્રમુખ દ્વારા સ્વાગત કરવું ખૂબ જ દુર્લભ બાબત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યાત્રા દરમિયાન વ્હાઇટ હાઉસની અંદર સ્વાગત સમારોહ, રોઝ ગાર્ડનમાં સૈન્ય સમીક્ષા અને સાંજના સમયે સ્ટેટ ડિનરનું ભવ્ય આયોજન કરવામાં આવશે.આ સ્ટેટ ડિનરમાં વિશ્વભરની અગ્રણી ટેન્કોલોજી કંપનીઓના સીઇઓ પણ સામેલ થશે. જેમાં એમેઝોનના જેફ બેઝોસ, આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સૅમ આલ્ટમેન, એપલના ટિમ કુક, ટેસ્લાના ઈલોન મસ્ક, એનવીડિયાના જેન્સન હુઆંગ અને ડેલ ટેન્કોલોજીસના માઈકલ ડેલ જેવા દિગ્ગજાે સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રેર અર્થ (દુર્લભ ખનિજ)નો પૂરવઠો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે.




