આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ સાંસદ મનસુખ વસાવાનું જુનારાજ ગામ છે. અહીંયા રોડ પર કમર સુધીના ખાડા છે. આ જુનારાજથી લઈને કરજણ ડેમ સુધીનો રોડ છે, અહીંયાથી બાઈક પણ પસાર થાય એવી પરિસ્થિતિ નથી. આ ગામની 3500થી 4000ની વસ્તી છે અને લોકોને આ ખરાબ રોડના કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. સાંસદ મનસુખ વસાવા આ વિસ્તારમાં બે વખત ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. તેઓ પોતાના ગામમાં પણ રસ્તો નથી બનાવી શકતા. બે-ત્રણ દિવસ અગાઉ તેઓ મુલાકાત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા પરંતુ એમણે અધવચ્ચે અહીંયા ઊભું રહી જવું પડ્યું હતું. એમની સાથે ધારાસભ્ય પણ આવ્યા હતા અને ગ્રામજનો પર આક્ષેપબાજી કરી રહ્યા હતા કે “ગામના બે ત્રણ આગેવાનો રાક્ષસ છે” ચૈતરભાઈ વસાવા આ ગામના ભાણીયા છે અને ગત વર્ષે ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજથી લઈને રાજપીપળા સુધી આ પરિસ્થિતિ મુદ્દે પદયાત્રા કરી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ સમક્ષ રજૂઆત કરી, જિલ્લા સંકલન અને વિધાનસભામાં પણ રજૂઆત કરી ત્યારબાદ આ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલુ થયું.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, એક સાંસદ અહીંયા પોતાના ગામમાં રસ્તા પર નથી બનાવી શકતા અને ગામના સામાન્ય લોકોને રાક્ષસ ગણાવે છે. આ વિસ્તાર માટે જે આગેવાનો લડત લડે છે એ સાંસદને ગમતું નથી તો હું એમને કહેવા માગું છું કે તમે ખૂબ જ ફાંકા ફોજદારી કરો છો અને મોટી મોટી વાતો કરો છો પરંતુ તમે આ ગામનો રસ્તો જુઓ. આ ગામમાં એકથી આઠ ધોરણની સ્કૂલ છે પણ અહીંયા બાળકો 10 કે 12ની એક્ઝામ નથી આપી શકતા કે કોલેજ પણ નથી જઈ શકતા. કારણ કે આ રસ્તામાં ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહન પસાર થઈ શકે એમ નથી. કોઈને હોસ્પિટલ જવું હોય તો ઝોળીમાં નાખીને લઈ જવા પડે છે અને એના કારણે લોકો મૃત્યુ પણ પામે છે. અહીંયા સવાલ પેદા થાય છે કે શું આ જ આપણું ગુજરાત મોડલ છે? અમારી ટીમ દ્વારા જિલ્લા પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રમુખે જેસીબી મોકલ્યું છે અને હાલ અહીંયા ગ્રામજનો અને ગામના આગેવાનો ઉપસ્થિત છે અને માટી નાખીને આ રસ્તાને ભરાવી રહ્યા છીએ.





