(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત ની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતો તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે. આ અંગે તાકીદે રચાયેલી તપાસ સમિતિ દ્વારા હાથ ધરાયેલી તપાસ માં મૃતક ડો. હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા રેગિંગ માં સંકળાયેલા તમામ ૪ (ચાર) સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને આગામી ૬ (છ) માસ માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારના કડક નિર્દેશો હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે કરાયેલી તપાસ બાદ રિપોર્ટમાં જાણવા મળ્યું છે સિનિયરો દ્વારા જુનિયર ડોક્ટરોને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અપશબ્દો બોલવામાં આવતા હતા. એટલું જ નહીં પણ કલાકો સુધી ગોંધી રાખવામાં પણ આવતા હતા. “અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો” જેવા શબ્દો બોલવામાં આવતા હતા. આ સિવાય મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડીસેન્સી અને વર્બલ એબ્યુઝ્ડ ત્રણ અંતર્ગત રેગિંગ પુરવાર થયું હતું. આ રીતે રેગિંગના ભોગ બનેલા મોડાસાના ડો. હર્ષએ આપઘાત કરી પોતાની જીવન લીલા સકેલી લીધી હતી. જેના કારણે માતા-પિતા એ એકના એક જુવાનજોધ પુત્ર અને બહેન ને એકનો એક ભાઈ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આમ ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ સતત બહાર આવતા સરકારે રેગિંગના દૂષણને ડામવા સખત કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. રેગિંગના માનસિક ત્રાસથી અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર બન્યા છે અમુક વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને ગંભીર અસરો પહોંચવા છતાં રેગિંગ કેમ અટકતું નથી. રેગિંગ માટે બનાયેલો કાયદો શું ફક્ત કાગળના વાઘ સમાન બની રહ્યો હોવાની થતી ચર્ચા એ તબીબી જગત સહિત સમગ્ર સમાજ માં જોર પકડ્યું છે. ત્યારે એજ ઈચ્છનીય છે કે ભવિષ્યમાં કોઈ આશાસ્પદ ડોક્ટર આનો ભોગ ના બને…





