૩૦ લાખ ટન ખાંડ બજારમાં આવી શકે ખાંડના ભાવ ઓલટાઈમ હાઈ,ભાવ ઘટાડવા સરકાર શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન રોકી શકે તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની શક્યતા વચ્ચે આગામી કેટલાક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની આશંકા છે
દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો થતાં સરકાર હવે ભાવને કાબૂમાં લેવા માટે મોટા પગલાની તૈયારી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે અને કેટલાક વિસ્તારોમાં છૂટક ભાવ ૫૦ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયા છે. તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની શક્યતા વચ્ચે આગામી કેટલાક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની આશંકા છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન માટે થતી શેરડીની ફાળવણી મર્યાદિત કરવાની વિચારણા કરી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવીને ભાવમાં વધુ વધારો અટકાવવાનો છે. જાે શેરડીનો મોટો હિસ્સો ખાંડના ઉત્પાદન તરફ વાળવામાં આવશે તો બજારમાં ખાંડનો પુરવઠો વધવાની શક્યતા છે.ચાલુ સિઝનમાં, જે સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની છે, ખાંડ મિલોએ આશરે ૩ મિલિયન મેટ્રિક ટન એટલે કે ૩૦ લાખ ટન ખાંડના ઉત્પાદન જેટલી શેરડી ઈથેનોલ બનાવવા માટે વાળી છે. આ કુલ ખાંડ ઉત્પાદનના આશરે ૧૦ ટકા જેટલું છે.જાે આગામી સિઝનમાં શેરડીમાંથી ઈથેનોલનું ઉત્પાદન મર્યાદિત કરવામાં આવે છે, તો આ જથ્થો ખાંડના ઉત્પાદન તરફ વળી શકે છે. પરિણામે બજારમાં ખાંડનો પુરવઠો વધશે અને ભાવ પર ઘટાડાનું દબાણ આવી શકે છે.
ખાંડના ભાવ વધવા પાછળ માત્ર માંગ જ નહીં પરંતુ આગામી સિઝનના ઉત્પાદન અંગેની ચિંતા પણ મહત્વનું કારણ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મોટા શેરડી ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે આગામી સિઝનમાં શેરડીનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. આવી સ્થિતિમાં ખાંડના પુરવઠા પર વધુ દબાણ સર્જાઈ શકે છે.
સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ મિશ્રણનું લક્ષ્ય નક્કી કર્યું છે. શેરડીમાંથી ઈથેનોલનો પુરવઠો ઘટાડવામાં આવે તો પણ સરકાર આ લક્ષ્ય જાળવી રાખવા માટે મકાઈ અને ચોખા જેવા અન્ય અનાજમાંથી ઈથેનોલ ઉત્પાદન વધારવા પર ભાર મૂકી શકે છે.
આ રીતે સરકાર એક તરફ ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકે છે અને બીજી તરફ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણના લક્ષ્યને પણ જાળવી રાખી શકે છે. આગામી દિવસોમાં સરકાર શેરડી અને ઈથેનોલ અંગે શું ર્નિણય લે છે તેના પર ખાંડ ઉદ્યોગ અને ગ્રાહકો બંનેની નજર રહેશે.





