સરકારે જાહેર કર્યો પરિપત્ર યુનિયન બજેટ ૨૦૨૭ બનાવવાની પ્રક્રિયા શરૂ આ વર્ષે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનારું બજેટ નાણાવર્ષ ૨૦૨૭-૨૮નું કેન્દ્ર સરકારનું બજેટ હશે બજેટ ૨૦૨૭ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (બજેટ ડિવિઝન)એ સરકારના તમામ મંત્રાલયોને બજેટ સર્ક્યુલર ૨૦૨૭-૨૮ જાહેર કર્યા છે. યુનિયન બજેટ દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ રજૂ થાય છે. આ વર્ષે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનારું બજેટ નાણાવર્ષ ૨૦૨૭-૨૮નું કેન્દ્ર સરકારનું બજેટ હશે.
મંત્રાલયોને સર્ક્યુલર જાહેર થતાંની સાથે જ ૨૦૨૬-૨૭ના રિવાઇઝ્ડ એસ્ટિમેટ (RE) અને ૨૦૨૭-૨૮ માટેના બજેટ એસ્ટિમેટ (BE)ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સર્ક્યુલરમાં મંત્રાલયોને બંનેના અંદાજ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રી-બજેટ મીટિંગનો સિલસિલો ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬થી શરૂ થશે. તેની અધ્યક્ષતા એક્સપેન્ડિચર સેક્રેટરી કરશે.
તમામ મંત્રાલયો અને વિભાગોને પૈસાની પોતાની જરૂરિયાત વિશે યુનિયન બજેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (UBIS)ને જણાવવાનું કહેવામાં આવ્યું છે. તેમને આ કામ ૬ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. બીજી તરફ, પીટીઆઈના રિપોર્ટ મુજબ, સરકાર આ નાણાવર્ષમાં સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને અત્યાર સુધી ૫૫,૭૫૭ કરોડ રૂપિયા એકત્ર કરી ચૂકી છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને ૮૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધી સરકારે આ ટાર્ગેટનો ૭૮ ટકા ભાગ એકત્ર કરી લીધો છે. હજુ આ નાણાવર્ષ પૂરું થવામાં ૭ મહિનાનો સમય બાકી છે. અંદાજ છે કે બાકીના પૈસો આ દરમિયાન સરળતાથી એકત્ર કરી લેશે.
આગામી નાણાવર્ષનું યુનિયન બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે, જ્યારે અર્થતંત્ર સામે ઘણા પડકારો છે. વૈશ્વિક પરિસ્થિતિઓ ખાસ કરીને મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની અસર ભારત સહિત વિશ્વભરની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાથી મોંઘવારી સતત વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જાે મોંઘવારી કાબૂમાં ન આવે તો તેની અસર જીડીપી ગ્રોથ પર પણ પડશે. આ દરમિયાન ડોલરની સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોના વેચાણે રૂપિયા પર દબાણ વધાર્યું છે.
સરકાર અને આરબીઆઈની કોશિશ મોંઘવારીને જલ્દીથી કાબૂમાં લાવવાનો હશે. બીજી તરફ, આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. આ વસ્તીની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનારા બજેટમાં યુપી ચૂંટણીઓની અસર દેખાઈ શકે છે.





