નેપાળમાં ત્રાસદી બાદ મહામારીનો ખતરો હોસ્પિટલ હાઉસફૂલ અને મૃતદેહો સડવા લાગ્યા ચિતવન સહિત અનેક વિસ્તારોમાં ઓળખ વગરના મૃતદેહો હોસ્પિટલો અને સરકારી ઓફિસોમાં રખાયા
નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ ચાલતી રાહત અને બચાવ કામગીરી વચ્ચે અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.
જાેકે, મોટાભાગના મૃતદેહોની ઓળખ ન થઈ શકવાના કારણે તેમનો અંતિમ સંસ્કાર અટકી પડ્યો છે. હવે આ મૃતદેહો કોહવાઈ રહ્યા હોવાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અને ભયાનક મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે.
માત્ર ચિતવન જિલ્લામાંથી જ અત્યાર સુધીમાં ૧૭૮ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ગણેશ આર્યલના જણાવ્યા મુજબ, હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડતાં મૃતદેહોને સરકારી ઓફિસમાં રાખવાની નોબત આવી છે. યોગ્ય કોલ્ડ સ્ટોરેજ સુવિધાના અભાવે આ મૃતદેહોમાંથી ભયાનક દુર્ગંધ આવી રહી છે.
મહામારીના ખતરાને પહોંચી વળવા માટે નેપાળ સરકાર હવે વગર ઓળખાયેલા તમામ મૃતદેહોના ડીએનએ (ડ્ઢદ્ગછ) સેમ્પલ સુરક્ષિત રાખીને તેમના ઝડપી અંતિમ સંસ્કાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી ભવિષ્યમાં સ્વજનો ઓળખ માટે આવે તો ડીએનએ મેચ કરી શકાય અને હાલમાં ફેલાતી દુર્ગંધ તેમજ ચેપને અટકાવી શકાય.
નેપાળ ગૃહ મંત્રાલયના ઉપ પ્રવક્તા રમા આચાર્ય સુબેદીના જણાવ્યા મુજબ, રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જેવા વિસ્તારોમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે. મહામારી રોગ નિયંત્રણ વિભાગના ડિરેક્ટર ડૉ. અનુજ ભટ્ટાચને જણાવ્યું કે સ્થાનિક સ્તરે સાધનોની અછત હોવાથી ધાદિંગથી મળેલા મૃતદેહોને કાઠમંડુ અને પોખરા ખસેડવામાં આવી રહ્યા છે, જેથી ત્યાં ઉપલબ્ધ રેફ્રિજરેશન સુવિધાનો ઉપયોગ કરી શકાય.




