નેપાળ પૂરમાં સાડી બની જીવનદોરી તમિલનાડુના ૨૧ યાત્રીઓનો કાદવ-પથ્થરો વચ્ચેથી ચમત્કારિક બચાવ એક મહિલાએ પોતાની સાડી અને કેબલ વાયરની મદદથી યાત્રાળુઓને બચાવ્યા : પહાડી રસ્તે ચાલીને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત પહોંચ્યા નેપાળ-તિબેટ સરહદ નજીક પહાડી રસ્તા પર ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં તામિલનાડુના યાત્રાળુઓની આપવીતી સામે આવી છે. સવારે ૮ વાગ્યે સ્યાબ્રુબેસીથી ચીની ઇમિગ્રેશન તરફ જઈ રહેલા કાફલા પર અચાનક બોમ્બ ધમાકા જેવો ધડાકો થયો હતો. પહાડો પરથી ૭૦ થી ૮૦ ફૂટ ઊંચી માટી અને પથ્થરોની સુનામી જેવી લહેર નીચે ધસી આવી હતી. યાત્રાળુઓ કાદવ અને કાંટાળી ઝાડીઓ વચ્ચે જીવ બચાવવા માટે ઉપર તરફ ભાગવા લાગ્યા હતા.
બચી ગયેલા ૨૧ યાત્રાળુઓમાં મોટાભાગના ૫૦ વર્ષથી વધુ વયના હતા. પહાડના ઢોળાવ પરથી વારંવાર લપસી રહેલા યાત્રાળુઓને બચાવવા માટે ટોચ પર પહોંચેલી પૂંગોડી નામની મહિલાએ પોતાની સાડી ઉતારીને નીચે લટકાવી હતી. યાત્રાળુઓએ આ સાડી અને ત્યાં પડેલા એક કેબલ વાયરને મજબૂતીથી પકડીને ઉપર ચઢવાનું શરૂ કર્યું હતું. એક વૃદ્ધ મહિલા એકલા ચઢી ન શકતા તેમની કમરે સાડી બાંધીને જૂથના સભ્યોએ તેમને ઉપર ખેંચી લીધા હતા.યાત્રાળુ નવુ કબીરદાસે જણાવ્યું કે જાે એક પણ ભૂલ થઈ હોત તો તેઓ ૫૦ ફૂટ નીચે ખાઈમાં ખાબકી ગયા હોત. એક તબક્કે ખોટા રસ્તે પહોંચી ગયા બાદ એક સ્થાનિક નેપાળી નાગરિકે તેમનું સાચું માર્ગદર્શન કર્યું હતું. કાંટાળી ઝાડીઓ વચ્ચે ૩ કલાક સુધી પહાડી રસ્તે પગપાળા પ્રવાસ કર્યા બાદ તેઓ સેનાના હેલિકોપ્ટર સુધી પહોંચ્યા હતા. કઠિન યાત્રા બાદ કાઠમંડુ અને નવી દિલ્હી થઈને ૨૧ યાત્રાળુઓ સુરક્ષિત રીતે ચેન્નઈ પહોંચ્યા છે.
આ ચમત્કારિક બચાવ બાદ પણ આશંકાઓ હજુ ઘેરી છે. ૫૭ સભ્યોના આ જૂથમાંથી ૩૬ યાત્રાળુઓ શનિવાર સુધી ગુમ હતા, જ્યારે ચેન્નઈના ૪૯ યાત્રાળુઓનું અન્ય એક જૂથ પણ લાપતા છે. તામિલનાડુ સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાંથી ૪૦૦ થી વધુ લોકો નેપાળ ગયા હતા, જેમાંથી ૯૦ લોકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. નેપાળ સેના અને ભારતીય દૂતાવાસ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ અને રાહત કામગીરી સતત ચાલુ છે.




