(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશ માં દિવસે દિવસે વધતા જતા અનેક પ્રકારના રોગોને કારણે ઉભી થતી શારીરિક તકલીફો અને સાથે બગડતા આરોગ્યને કારણે શરીર માં ફેલાતા રોગોને ધ્યાનમાં લઈને FSSAI ગ્રાહકો ને સાવધાન કરવા લાવી રહ્યું છે. પેકેટો ઉપર લાલ ષટકોણનું નિશાન.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોને ચિંતાજનક તત્ત્વોથી ભરપૂર ઉત્પાદનો ઓળખવામાં મદદ કરવા માટે ખાદ્ય પેકેજોના આગળના ભાગમાં લાલ રંગના ષટ્કોણમાં ચેતવણી લખવા માટે સંમતિ આપવામાં આવી છે.
૧૩ ઓગષ્ટે પેક લેબલિંગ પર કોર્ટના આદેશના જવાબમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી એફિડેવિટ દ્વારા FSSAI એ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ (FOPL) ના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દા પર કાર્યવાહી કરવા દબાણ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. એમા કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકાર પોતાની રીતે એ કરે છે તો સારું, નહીં તો અમે વધુ નિર્દેશો પસાર કરીશું.
આ માળખા હેઠળ ઉત્પાદનો ઉપર લાલ ષટ્કોણમાં ચેતવણી લખવામાં આવશે જેમાં જે જરૂરી હશે એમ હાઈ ફેટ, હાઈ સોલ્ટ, અને હાઈ સુગર એવું લખવામાં આવશે. ગળ્યા પીણાં માટેની ચેતવણીમાં ખૂબ જ મીઠાશવાળા પીણાં એમ લખવામાં આવશે.
આ ચેતવણી પેકની પાછળની પોષણ-માહિતી કરતાં એક પોઇન્ટ મોટા ફોન્ટમાં પ્રદર્શિત થશે. FSSAI એ લાગુ ખાદ્ય સલામતી અને લેબલિંગ નિયમોને આધીન ઘી, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, ગોળ અને મધ જેવા એકલ-ઘટક ખોરાકને પ્રસ્તાવિત ચેતવણીઓમાંથી મુક્તિ આપવા સંમતિ આપી છે.




