સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નાના ઉદ્યોગો અને વેપારીઓના ધંધા બંધ કરાવવા પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ અધિકારીઓને ધંધા બંધ કરાવવાને બદલે શહેરમાંથી કચરાના નિકાલ અને સફાઈ પર ધ્યાન આપવાની રજૂઆત કરી હતી. મામલો વકરતા SMC દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી, ત્યારબાદ પૂણા પોલીસે AAP નેતાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, વરાછા વિધાનસભા પ્રભારી રજનીકાંત વાઘાણી, પૂર્વ કોર્પોરેટરો મહેશ અણઘણ, વિપુલ સુહાગીયા, કોર્પોરેટર રચના હિરપરા, અસ્મિતા ધોરાજીયા સહિત અનેક આગેવાની પોલીસે અટકાયત કરી હતી. આ મામલે AAP સુરતના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારથી શહેરનો કચરો સાફ થતો નથી અને હવે ભાજપ સરકારના ઇશારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કાયદેસર વેપાર કરતા નાના વેપારીઓનો માલ જપ્ત કરવા પહોંચી ગયા છે. જે વેપારીઓએ કસ્ટમ ડ્યુટી ભરીને અને તમામ કાયદેસરના બિલ રાખીને માલ મંગાવ્યો છે, તેમનો માલ કયા કારણે જપ્ત કરવામાં આવી રહ્યો છે તેનો જવાબ અધિકારીઓ આપી શકતા નથી. જો કસ્ટમ ઓફિસરે ડ્યુટી અને ટેક્સ લઈ લીધો હોય તો SMC ના અધિકારીઓએ વેપારીઓને હેરાન કરવાના બદલે કસ્ટમ વિભાગને પૂછવું જોઈએ. અત્યારે લાખો રૂપિયાના પગાર લેતા SMC ના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ તંત્ર મહિનાના માંડ ૩૦ હજાર રૂપિયા કમાઈને ગુજરાન ચલાવતા સામાન્ય માણસનો ધંધો બંધ કરાવવા નીકળ્યા છે. શહેરમાં વધતી બેરોજગારી અને ગુનાખોરી ડામવાની પોતાની મૂળ ફરજ નિભાવવાના બદલે પોલીસ મિત્રો ભાજપ સરકારની ગુલામી કરી રહ્યા છે. અધિકારીઓ અને પોલીસે આ ગુલામીમાંથી બહાર આવવાની જરૂર છે. વર્ષો પહેલા જેમ લોકો અંગ્રેજોની ગુલામી કરતા હતા, તેવી જ રીતે અત્યારે તંત્ર વર્તી રહ્યું છે અને સામાન્ય જનતા પર અત્યાચાર કરનારા આવા અધિકારીઓને આવનારી પેઢી તેમજ ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે.
આમ આદમી પાર્ટી વરાછા વિધાનસભા પ્રભારી રજનીકાંત વાઘાણીએ મનપા અને પોલીસ અધિકારીઓ સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, મારી સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ રામભાઈ ધડુક, કોર્પોરેટર ધર્મેશભાઈ ભંડેરી, રચનાબેન હીરપરા, પૂર્વ કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, વિપુલભાઈ સુહાગીયા તેમજ તુલસીભાઈ અને ભાનુભાઈ સહિતના આગેવાનો સ્થળ પર હાજર છે. ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા લાખોના પગારદાર અધિકારીઓ આજે પોતાનો નાનો-મોટો ધંધો ચલાવીને પેટિયું રળતા સામાન્ય માણસની દુકાનો બંધ કરાવવા અને હેરાન કરવા આવ્યા છે. આખા સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે ત્યારે કોઈ ખાખી કે બ્લુ વર્દીવાળા અધિકારીની દારૂ બંધ કરાવવાની તાકાત કે મજાલ નથી. બીજી તરફ, જીએસટીના દાયરામાં કાયદેસર રીતે વેપાર કરતો વેપારી સમયસર ભાડું અને ટેક્સ ભરવા માટે ઉછીના-પાછીના રૂપિયા લાવીને મહેનત કરે છે, ત્યારે અધિકારીઓ આવીને તેમની દુકાનોમાંથી માલ જપ્ત કરવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે ૩૧ ઓગસ્ટના રોજ પુણા ગામની અંદર અધિકારીઓ ઘાતકીના રૂપમાં આવીને વેપારીઓને હેરાન કરી રહ્યા છે, તેથી સુરતના તમામ વેપારીઓને વિનંતી છે કે ભાજપના તાનાશાહી તંત્ર સામે આપણે સૌએ એક થઈને લડવું પડશે અને જરૂર પડે તો જનઆંદોલન કરીને આ અત્યાચાર સામે આકરો પ્રહાર કરવો પડશે.




