આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ખેડૂત નેતા પિયૂષ પરમારે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને માહિતી આપતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કચ્છ, જામનગર, પોરબંદર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદના અભાવે અત્યંત ગંભીર દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોની આ વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુખ્ય ચાર માગણીઓને લઈને ગઈકાલથી દ્વારકાના ખંભાળિયા ખાતે અચોક્કસ મુદતના સત્યાગ્રહ ધરણા પર બેઠા છે. આ આંદોલનની ચાર મુખ્ય માગણીઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, સુકાતા પાક માટે ‘સૌની યોજના’ દ્વારા તાત્કાલિક પાણી પૂરું પાડવું, પશુઓ માટે મફત ઘાસચારાની સઘન વ્યવસ્થા કરવી અને ખેડૂતોના વીજ બિલ માફ કરવાનો સમાવેશ થાય છે. આ આંદોલનની તીવ્રતા અને ખેડૂતોના વ્યાપક સમર્થનને કારણે સરકારે ત્વરિત નિર્ણય લઈને મચ્છુ-૨ ડેમમાંથી વાંકાનેર, જામનગર અને પોરબંદરના જળાશયોમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે. ખેડૂતોની એક મુખ્ય માગણીનો અંશતઃ સ્વીકાર થવો એ ઈસુદાન ગઢવીના મજબૂત સત્યાગ્રહ અને ગુજરાતના ખેડૂતોની એકતાની મોટી જીત છે.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે જોકે, માત્ર પાણી છોડવાની જાહેરાત કરી દેવાથી ખેડૂતોનો પ્રશ્ન પૂર્ણપણે ઉકેલાતો નથી, કારણ કે સરકારી જાહેરાતમાં પણ અનેક મર્યાદાઓ અને અસ્પષ્ટતાઓ રહેલી છે. સરકારે પ્રાથમિકતા પીવાના પાણીને આપી છે, પરંતુ સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી ક્યારે અને કેટલા દિવસમાં પહોંચશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી; જો આગામી પાંચ-દસ દિવસમાં પાણી નહીં પહોંચે તો પાક બળી જશે અને આ નિર્ણય નિરર્થક સાબિત થશે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં માત્ર ૨૫ ટકા ખેડૂતો પાસે જ સિંચાઈની સુવિધા કે સૌની યોજનાનું કનેક્શન છે, જ્યારે બાકીના ૭૫ ટકા ખેડૂતો માટે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે. કાયદાકીય અને સરકારી નિયમો મુજબ ૭૫ ટકાથી વધુ વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું ન પાડી શકાય ત્યાં સુધી માત્ર થોડું પાણી આપીને આખી પરિસ્થિતિને સામાન્ય ગણાવી શકાય નહીં. તેથી જ જમીનની ભેજની ટકાવારી અને પાકની નુકસાનીનો વૈજ્ઞાનિક સર્વે કરીને સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો અનિવાર્ય છે. પશુઓ માટે ઘાસચારો, વીજ બિલ માફી અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય જેવી બાકીની માગણીઓ હજુ પણ વણઉકેલાયેલી હોવાથી ખંભાળિયા ખાતેનો આ ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ ખેડૂતોને પૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી યથાવત અને સતત જારી રહેશે.




