યુક્રેન યુદ્ધના અંત માટે શાંતિની અપીલ બિશ્કેકમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠક યોજાઇ બંને દેશોની ટીમો અગાઉ થયેલા કરારો અને સમજૂતીઓને અમલમાં મૂકવા માટે કામ કરી રહી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી ૨૬મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ, રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક સહયોગ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધમાં પસાર થતો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ આગળ વધેલું દરેક પગલું નવી આશા ઊભી કરે છે.
પીએમ મોદીએ ભારતના પરંપરાગત શાંતિ સંદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગાંધી અને બુદ્ધની ધરતીનો સંદેશ શાંતિનો માર્ગ અપનાવવાનો છે. ભારત યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપતું રહ્યું છે અને આગળ પણ આપતું રહેશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન સંઘર્ષને લઈને વૈશ્વિક સ્તરે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતે શરૂઆતથી જ સંવાદ અને કૂટનીતિ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની તરફેણ કરી છે.
મોદી અને પુતિને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરી. બંને દેશોની ટીમો અગાઉ થયેલા કરારો અને સમજૂતીઓને અમલમાં મૂકવા માટે કામ કરી રહી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું.
ઊર્જા, વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભારત-રશિયા સંબંધો લાંબા સમયથી મહત્વપૂર્ણ રહ્યા છે. આવી સ્થિતિમાં બંને નેતાઓની મુલાકાત આગામી સહકાર માટેનો રોડમૅપ નક્કી કરવામાં મહત્વની બની શકે છે.
પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને નવી દિલ્હીમાં યોજાનારી આગામી BRICS સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. આ આમંત્રણ ભારત-રશિયા વચ્ચેના સતત ઉચ્ચસ્તરીય રાજદ્વારી સંપર્કને દર્શાવે છે.
આગામી મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ અને વૈશ્વિક મુદ્દાઓ પર વધુ ચર્ચા થવાની શક્યતા છે.
બિશ્કેકમાં મોદી અને પુતિનની મુલાકાતનું એક દૃશ્ય ખાસ ચર્ચામાં રહ્યું. બંને નેતાઓ વર્લ્ડ નોમેડ ગેમ્સ ૨૦૨૬ના ઉદ્ઘાટન સમારોહમાં એક જ કારમાં સવાર થઈને પહોંચ્યા હતા.
આ અનૌપચારિક ક્ષણે બંને દેશોના નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધો અને રાજદ્વારી મિત્રતાનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ પણ બંને નેતાઓ વચ્ચે આવી અનૌપચારિક મુલાકાતોના દૃશ્યો ચર્ચામાં રહ્યા હોવાથી તેને ફરીથી ‘કાર ડિપ્લોમસી’ તરીકે જાેવામાં આવી રહી છે.
વર્લ્ડ નોમેડ ગેમ્સમાં ૧૧૦થી વધુ દેશોના ખેલાડીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ આવૃત્તિમાં ૪૩ પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી ૮૭ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યું છે, જેમાં ખેલાડીઓ ઉપરાંત સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
બિશ્કેકની આ મુલાકાતથી ભારત-રશિયા સંબંધો ઉપરાંત ભારતનો શાંતિ, સંવાદ અને બહુપક્ષીય સહકાર અંગેનો અભિગમ પણ સ્પષ્ટ થયો છે. મોદી-પુતિન બેઠક આગામી દ્વિપક્ષીય અને વૈશ્વિક રાજદ્વારી ચર્ચાઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે.




