[નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા] સુરત.
ભારત દેશ માટે અફસોસની વાત એ છે કે લોકોની આર્થિક સ્થિતિ સુધારવાને બદલે સરકારો તેમને કાયમને માટે કોઈના પર નિર્ભર રહે તેવા પાંગળા બનાવવામાં જાણે કે વધુ રસ દાખવી રહી છે. આમાં, લોકકલ્યાણની જવાબદારી હેઠળ કરવામાં આવતા કાર્યો અને મફત ભેટ વચ્ચેનો તફાવત દૂર કરવાના પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે. પણ સરકાર રચવાની લ્હાયમાં મફતની લહાણીઓ કરીને મતોની રોકડી કરી લેવાનો માર્ગ રાજકીય પક્ષોને સાવ સરળ લાગે છે.
અહીં આશ્ચર્યની વાત એ છે કે એક તરફ સરકારો દ્વારા પ્રજા કલ્યાણની સુવિધાઓ માટે ભંડોળ નથી અથવા તો વિવિધ બહાના બતાવી ભંડોળ છૂટું કરવામાં ઠાગાઠૈયા કરી પ્રજાને લોલીપોપ આપતી રહે છે. તો બીજી તરફ સત્તામાં પાછા ફરવા અને સત્તા અંકે કરવા મોટા પાયે કેટલીક મફત સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપવામાં આવે છે.
આમ જોવા જઈએ તો આ જનતાને આપવામાં આવતી ખુલ્લી લાલચ છે, જેના દ્વારા મૂળભૂત સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓને સંતાડવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, લગભગ દરેક પક્ષે ચૂંટણી જીતવા માટે આ "મફત" સાધન નો ઉપયોગ કર્યો જ છે.
અહીં વાત મફત ભેટોની નથી વાત છે દેશમાં બેરોજગારી, બેકારી, ગરીબી, મોંઘવારી, ગુન્હાખોરી, કથળતું જતું શિક્ષણ અને પડી ભાંગેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ. રોજેરોજ પોલીસ સ્ટેશનોમાં થતાં ફરિયાદો ના ઢગલા, અદાલતો માં થયેલા કેસો નો ભરાવો, અને ઉભરાતી જેલો આ બધું જ સરકારની નિષ્ફળતાનું પરિણામ છે, જેનો ભોગ પ્રજા બને છે.
ચૂંટણી ના સમયે જ સત્તાધારીઓની ખુરશી અંકે કરવા ખુંખાર ગુન્હેગારો ને મળતા જામીન પણ શંકાના દાયરામાં તો જરૂર આવે જ છે. અને આ બધાની પાછળ છે. જનતા માં જાગૃતતાનો અભાવ જેનો ભોગ પાછી એજ જનતા બને છે જે જનતા વારંવાર સરકારને ભાંડવાનું ચૂકતી નથી અને પાછી એજ સરકારને સત્તાના સિંહાસન પણ જનતા જ બેસાડે છે.
ત્યારે સવાલ એ થાય છે કે જે પ્રજા વારંવાર રેવડીઓની લાલચ માં દેશહિત ભૂલી જશે તો નેતાઓ કાયમ એમના સ્વહિત ખાતર જનતાનું શોષણ કરતા જ રહેશે.




