નકલી નોટો મળતાં પોલીસ-RBI ની ટીમ દોડતી થઈ ઉત્તર પ્રદેશમાં PNB બેન્કમાં ૧૭ કરોડની નકલી નોટો મળી ઇમ્ૈંના કડક નિયમો છતાં આટલી મોટી રકમ ચેસ્ટમાં કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે : પોલીસ તપાસ શરૂ ઉત્તર પ્રદેશના પંજાબ નેશનલ બેંક (PNB )ના કરન્સી ચેસ્ટમાં અંદાજે રૂ.૧૭ કરોડની બનાવટી (જાલી) ચલણી નોટો મળી આવવાના સનસનીખેજ મામલે બેંકિંગ આલમ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોઈપણ બેંકના કરન્સી ચેસ્ટ સુધી નવી કે જમા થયેલી કરન્સી લાવવા અને તેને સેફમાં મૂકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશો હેઠળ એક અત્યંત ચુસ્ત અને નિર્ધારિત પ્રક્રિયા અમલમાં હોય છે. રોકડની ગણતરી, નોટ સોર્ટિંગ મશીન દ્વારા સ્કેનિંગ અને બેંક અધિકારીઓની દેખરેખ હેઠળ વેરિફિકેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવા છતાં, આટલા મોટા પાયે નકલી નોટો સીધી કરન્સી ચેસ્ટ સુધી કેવી રીતે પહોંચી ગઈ તે બાબતે સમગ્ર નિગરાણી અને સત્યાપન વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તપાસકર્તાઓ હાલમાં કરન્સી ચેસ્ટ સુધી રોકડ પહોંચવાના તમામ માધ્યમો અને રૂટ્સની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બનાવટી નોટો કાઉન્ટર પર સામાન્ય ગ્રાહકો પાસેથી સીધી જમા થયેલી નથી, પરંતુ બેંકની અન્ય કોઈ શાખામાંથી કરન્સી ચેસ્ટમાં રોકડ ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે આટલો મોટો જથ્થો ચેસ્ટમાં ઘુસાડી દેવાયો હોઈ શકે છે.
સંબંધિત શાખાઓમાંથી કેશ ક્યારે મોકલવામાં આવી, તે સમયે કયા અધિકારીઓ અને કર્મચારીઓ કેશ સત્યાપન અને જમા લેવાની ડ્યુટી પર હાજર હતા તથા રજિસ્ટરમાં કઈ રીતે નોંધણી કરવામાં આવી હતી તે તમામ પાસાંઓની કડીઓ જાેડવામાં આવી રહી છે.
આ કરોડો રૂપિયાના જાલી નોટ કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા માટે ૨૧ સભ્યોની એક વિશેષ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા બેંકના તમામ રેકોર્ડ્સ, લોકર અને ચેસ્ટ એન્ટ્રી રજિસ્ટર તેમજ રોકડના હિસાબોનું વેરિફિકેશન અને મિલાન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડમાં સામેલ શંકાસ્પદ લોકો અને આરોપીઓના બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ગેરકાયદે નાણાકીય લેવડદેવડ અને મની લોન્ડરિંગના મૂળ સુધી પહોંચી શકાય. આ રેકેટના તાર અન્ય રાજ્યો સાથે પણ જાેડાયેલા હોવાના પુરાવા મળતાં તપાસ ટીમોએ હરિયાણા સુધી પહોંચીને વિવિધ શંકાસ્પદ ઠેકાણાઓ પર સઘન દરોડા પાડ્યા છે.
આ બેંકિંગ ફ્રોડની સાથોસાથ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં નકલી અને ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવાનું એક મોટું કૌભાંડ પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, સામાન્ય મજૂરો કે અજાણ્યા નિર્દોષ લોકોના ઓળખપત્રોનો દુરુપયોગ કરીને બીજાના નામે નકલી સિમ કાર્ડ ઈશ્યૂ કરાવવાના સૌથી વધુ કિસ્સા પૂર્વીય યુપીમાં નોંધાયા છે. સાયબર માફિયાઓ અને આર્થિક ગુનેગારો દ્વારા આવા અનધિકૃત સિમ કાર્ડ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ, ગેરકાયદે કોલિંગ અને બેંકિંગ છેતરપિંડીને અંજામ આપવા માટે કરવામાં આવે છે. તપાસ એજન્સીઓ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારના ફ્રોડ નેટવર્કનો કરન્સી કૌભાંડ સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં.




