ઓગસ્ટ કોરોધાકોર, ૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં ગંભીર જળસંકટ અને દુષ્કાળની આશંકા કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, ૧૦ ઈંચ વરસાદ પણ નોંધાયો નથી
એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે રાજ્યના ૧૦ તાલુકા એવા છે જ્યાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. અપૂરતા વરસાદથી જળસ્તર સતત ઘટી રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકટ તોળાયું છે. દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકા એવા છે જ્યાં ૧૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ ૧ ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા વરસાદને પગલે મગફળીનું ૧,૯૯,૪૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેની સરખામણીએ ગત વર્ષે ઓક્ટોબર સુધી ૨,૧૭,૦૦૦ હેક્ટર વાવેતર થયેલું હતું.
ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી ચિંતાજનક છે. અહીંના ૪ તાલુકાઓમાં સરેરાશ માત્ર ૧૦ ટકા જ વરસાદ નોંધાતા જળસ્તર સતત નીચા જઈ રહ્યા છે. પરિણામે, સ્થાનિક સ્તરે પીવાના પાણીનું મોટું સંકટ ઊભું થયું છે અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં અત્યારે ૪૩ તાલુકાઓમાં જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે ૭૫ જળાશયોમાં પાણીનું સ્તર ૨૫ ટકાથી પણ નીચે ગયું છે.
ઓછા વરસાદની સીધી અસર રાજ્યની ખેતી પર પડી છે. મગફળી, કપાસ અને બાજરી જેવા મુખ્ય પાકોનું વાવેતર ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. સમયસર પિયત ન મળવાને કારણે ઊભેલા પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે, જેનાથી અન્નદાતાઓની ચિંતા બેઘણી વધી ગઈ છે.
સરકારી નિયમો અનુસાર, જાે કોઈ વિસ્તારમાં સરેરાશ ૬૫% થી ઓછો વરસાદ થાય તો ત્યાં દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ સર્જાતી હોય છે. હાલની વરસાદી અછતને જાેતા ઘણા વિસ્તારોમાં દુષ્કાળના વાદળો ઘેરાયા છે. જાે આગામી દિવસોમાં અનુકૂળ માહોલ નહીં સર્જાય, તો પરિસ્થિતિ વધુ વિકરાળ બની શકે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને ભારે ફટકો પડી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ અને રાહત પેકેજ અંગે વિચારણા કરવી અનિવાર્ય બની ગઈ છે.
ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા વરસાદ કેટલો ઓછો છે તેના આધારે થતી નથી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદના ૭૫ ટકાથી ઓછો વરસાદ પડે તો દુષ્કાળની શક્યતા સર્જાય છે. પરંતુ આ એકલું પૂરતું નથી. આ સાથે ડ્રાય સ્પેલ, વાવેતરમાં ઘટાડો, જમીનમાં ભેજ, પાકની સ્થિતિ, ભૂગર્ભજળ અને જળાશયના પાણી જેવા માપદંડો પણ જાેવાતા હોય છે. ગુજરાતમાં તાલુકા-વિસ્તાર પ્રમાણે દુષ્કાળ જાહેર થઈ શકે છે.




