(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ભારતમાં નબળા કાયદા અને ભ્રષ્ટ તંત્ર તેમજ તોડજોડવાળા રાજકારણના કારણે અધિકારીઓને સરંડર થઈને રહેવું પડે છે. અધિકારીઓ કડક બનવા જાય છે તો ટ્રાન્સફરનો ભોગ બનવું પડે છે. આજે દેશમાં ભેળસેળ નો બિઝનેસ બિન્દાસ્ત બનીને કરતા નઠારા વેપારીઓને એમ છે કે તેમને રાજકીય માફિયાઓનું પીઠબળ છે માટે તેમનું કોઈ કશું બગાડી શકે નહીં.
અને આવું જ મહારાષ્ટ્રના ભેળસેળીયા પણ માનતા હતા. પરંતુ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશ્નર તુકારામ મુંઢેએ ભેળસેળીયા ખાદ્ય ખોરાકી ચીજોનું વેચાણ કરનારાઓની ઊંઘ હરામ કરી નાખી છે. આપણે જોઈએ છીએ કે કોઈ ફિલ્મમાં જેમ હીરો ગુંડાઓ પર ત્રાટકે અને પ્રેક્ષકો ચિચિયારી સાથે તાલીઓ પાડે એવું જ તુકારામ મુંઢેના કિસ્સામાં લોકોની નજર સામે થઈ રહ્યું છે.
આમ તો જન્માષ્ટમીના ભગવાન કૃષ્ણની કથા ૫૦૦૦ વર્ષ જૂની છે. પરંતુ ભગવાન કૃષ્ણે નાથેલો કાળીનાગ હજુ વિવિધ સ્વરૂપે કળિયુગમાં જોવા મળી રહ્યો છે. પોતાના અંગત આર્થિક સ્વાર્થના ખાતર દરેક ખાદ્યચીજોમાં ભેળસેળ કરીને પ્રજાના આરોગ્ય સાથે રમત કરનારા વેપારીઓ કાળીનાગ સમાન છે.
આવા કાળીનાગ સામે પગલા લેવા તુકારામ મુંઢે જેવા અધિકારીઓ જ્યારે મેદાનમાં આવીને ફફડાટ ફેલાવે છે ત્યારે એમ લાગે છે કે કૃષ્ણના રૂપમાં અધિકારીઓ આવે છે અને પ્રજાની વાહવાહી મેળવી જાય છે. માત્ર નાના ખૂમચાવાળા જ નહીં પણ ફાઈવ સ્ટાર હોટલો અને બ્રાન્ડેડ કંપનીઓના આઉટલેટ સીલ કરવાની બહાદુરી બતાવનાર તુકારામની ૧૭ વાર બદલી થઈ ચૂકી છે. તેઓ ટ્રાન્સફરની તૈયારી સાથે જોબ કરે છે અને પોતે જ્યાં જાય છે ત્યાં ભેળસેળ કરનારાઓને ચીસ પડાવી દે છે.
ત્યારે મહારાષ્ટ્રના પગલે ચાલીને ગુજરાતની. મહાનગરપાલિકાઓના આરોગ્ય ખાતાઓ કંઈક શીખે અને ભેળસેળના કાળી નાગને નાથે એજ ઇચ્છનીય છે.




