મોહન ભાગવતનું લંડનમાં મોટું નિવેદન હિન્દુ માત્ર ધર્મ નહીં, જીવન અને દુનિયાને સમજવાનો દૃષ્ટિકોણ છે લંડનમાં યોજાયેલી એક સભાને સંબોધિત કરતાં RSS પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સભ્યતાના મૂળ તત્વો પર વાત કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે લંડનમાં એક સભાને સંબોધિત કરતાં ‘હિન્દુ’ શબ્દ અને તેની સભ્યતાના સારને ખૂબ જ સરળ અને ઊંડાણપૂર્વક સમજાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હિન્દુને માત્ર એક ધર્મ અથવા કોઈ ચોક્કસ ભૂગોળની સીમામાં બાંધીને જાેઈ શકાય નહીં. હકીકતમાં, હિન્દુ એક વ્યાપક સાંસ્કૃતિક અને સભ્યતાગત ઓળખ છે. આ જીવન, અસ્તિત્વ અને સમગ્ર દુનિયા સાથેના આપણા સંબંધને સમજવાનો એક ખાસ દૃષ્ટિકોણ છે. લંડનના એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે, ભારતીય અને હિન્દુ વિચારધારાની સૌથી મોટી તાકાત એ માનવું છે કે વિવિધતા અને એકતા બંને એકસાથે રહી શકે છે. તેમણે સમજાવ્યું કે દુનિયામાં અલગ-અલગ લોકો, વિચારો અને સંસ્કૃતિઓ હોવી ખૂબ સ્વાભાવિક છે. આ બધા તફાવતો ખરેખર એક જ મૂળ સત્યના અલગ-અલગ રૂપ અને શણગાર છે. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે આપણે બહારની વિવિધતાને સ્વીકારતા ક્યારેય એ ભૂલવું જાેઈએ નહીં કે અંદરથી આપણે બધા એક છીએ. સંઘ પ્રમુખે દુનિયામાં વધી રહેલા ટકરાવો અંગે વાત કરતાં કહ્યું કે, જ્યારે માણસ બીજાને દુશ્મન માનવાનું બંધ કરી દે છે, ત્યારે વિવાદો સરળતાથી ઉકેલી શકાય છે. કોઈને દબાવવા, હરાવવા અથવા પોતાની વિચારધારા થોપવાને બદલે સમાજે સાથે મળીને આગળ વધવાનો રસ્તો શોધવો જાેઈએ. તેમણે કહ્યું કે મૂળભૂત રીતે માણસની જરૂરિયાતો અને લક્ષ્યો એકસરખા છે, તેથી સવાલ એ ન હોવો જાેઈએ કે બીજાને કેવી રીતે પાછળ રાખવો, પરંતુ એ હોવો જાેઈએ કે સૌ સાથે મળીને સામાન્ય લક્ષ્યો કેવી રીતે હાંસલ કરી શકાય.મોહન ભાગવતે આ સામાન્ય માન્યતાને પણ નકારી કાઢી કે એકતા માટે સૌનું એકસરખું દેખાવું અથવા વિચારવું જરૂરી છે. તેમણે કહ્યું કે, હિન્દુ સભ્યતા સૌને એક જ બીબામાં ઢાળવાનો પ્રયાસ નથી કરતી, કારણ કે એકતા માટે એકરૂપતાની જરૂર જ નથી. વિવિધતાને ખુલ્લા દિલથી સ્વીકારવી એ જ હિન્દુ સ્વભાવની સૌથી મોટી ખાસિયત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિન્દુ વિચારધારા કોઈ એક નક્કી કરેલા માર્ગ પર ચાલવાનું દબાણ કરતી નથી અને ન તો બીજાને બદલવાની હિમાયત કરે છે. અલગ-અલગ પરંપરાઓનું સન્માન કરવું અને સૌની સાથે શાંતિથી મળીને રહેવું એ જ તેનો મૂળ વિચાર છે.




