AK-૪૭ સાથે નકાબધારીઓ કેમેરામાં કેદ પાકિસ્તાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પીટીઆઇ કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો હતો પાકિસ્તાનમાં ક્યારે શું થઈ જાય તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. આજે એવી જ એક ઘટના બની.
ખૈબર પખ્તૂનખ્વાંમાં પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધીરોઓએ અપહરણ કરી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નકાબધારીઓ રસ્તો રોકતા નજરે પડે છે. જાેકે, આ અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેમની શું માંગ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મંત્રી ફઝલ શકુર ખાનના અપહરણ ઉપરાંત પીટીઆઇ (PTI) ના નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મલાકંદમાં શકીલ અહેમદને અપહરણ કરવાનો પ્રયાસ થયાના અહેવાલ બાદ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.
આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પીટીઆઇ કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સળગાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાને આ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. પીટીઆઇના વરિષ્ઠ નેતાઓએ જવાબદારીની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જાે આ પરિસ્થિતિ નહીં અટકે તો સમગ્ર પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર કરવામાં આવશે.




