(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
બ્રિટનમાં બેકી જોન્સ નામની યુવતી ૨૧ વર્ષની હતી ત્યારે તેના મગજમાં ટ્યુમર (ગાંઠ) હોવાનું નિદાન થયું હતું. કેન્સરનું ટ્યુમર હોવાથી તેને સારવાર માટે કીમોથેરપી આપવામાં આવી. કીમોથેરપીનાં સેશન્સ ૧૧ વર્ષ સુધી ચાલ્યાં. જ્યારે તે ૩૪ વર્ષની થઈ ત્યારે તેણે બીજા કેટલાક ડોક્ટરોને કન્સલ્ટ કર્યા તો ખબર પડી કે તેને કેન્સર છે જ નહીં.
વાત એમ હતી કે ૨૦૧૨ માં તેને માથાનો દુઃખાવો થતો હતો. એ વખતે બ્રેઇન-સ્કેન કરવામાં આવ્યું તો મગજમાં એક ઘા દેખાયો. એ વખતે સારવાર કરનારા ડોક્ટરોને એ ઘા અને ઘાને કારણે ઉપસેલો ભાગ ખતરનાક ટ્યુમર હોવાનું લાગ્યું હતું. તેને એવું પણ કહેવામાં આવ્યું કે તેની પાસે હવે બહુ ઓછા દિવસો બચ્યા છે. કેન્સરના નિષ્ણાંતે તેને કીમોથેરપી આપવાનું શરૂ કર્યું. કીમોથેરપીના સ્લો ડોઝને કારણે તે ખૂબ જ બીમાર રહેવા લાગી. ભણ્યા પછી પણ કંઈ કામકાજ કરી શકતી નહોતી. જોકે તેણે હાર ન માની. પોતાની બીમારી માટે તેણે અન્ય નિષ્ણાંતોને કન્સલ્ટ કર્યા. તેમણે કેટલાક પરીક્ષણો કરાવ્યાં તો ખબર પડી કે મગજમાં કોઈ કેન્સરની ગાંઠ નથી. માત્ર સોજો છે.
આ સોજો તો સ્ટેરોઇડ્સથી પણ દૂર થઈ શકે એમ છે. બેકી એ પછી સ્ટેરોઇડ્સ દ્વારા સાજી થઈ હતી અને તેણે ૧૧ વર્ષ સુધી નાહક કીમોથેરપી લેવડાવનારા હેલ્થ સેન્ટર સામે કેસ કર્યો છે. બોલો, છે ને અજબ દુનિયા…




