દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સરહદ પર તણાવ વધ્યો સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : કિમ યો જાેંગે ૨૧ સપ્ટેમ્બરે પશ્ચિમી વિસ્તારમાં પેટ્રોલિંગ માર્ગ તૈયાર કરવાની કામગીરી દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સરહદ પર તણાવ ફરી વધતો જાેવા મળી રહ્યો છે. ડિમિલિટરાઇઝ્ડ ઝોન (DMZ)માં થયેલા લેન્ડમાઇન વિસ્ફોટ માટે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને જવાબદાર ગણાવ્યા બાદ કિમ જાેંગ ઉનની બહેન કિમ યો જાેંગે આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે દક્ષિણ કોરિયાને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે જાે સરહદ પર કિલ્લેબંધીનું કામ કરી રહેલા ઉત્તર કોરિયાના સૈનિકો પર ગોળી ચલાવવામાં આવશે તો સરહદ પર તૈનાત ઉત્તર કોરિયાની ટુકડીઓ તાત્કાલિક અને કડક જવાબ આપશે.૨૧ સપ્ટેમ્બરે DMZ ના પશ્ચિમી વિસ્તારમાં પેટ્રોલિંગ માર્ગ તૈયાર કરવાની કામગીરી દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં દક્ષિણ કોરિયાના ત્રણ સૈનિક ઘાયલ થયા હતા, જેમાંથી બેને ગંભીર ઈજા થઈ હતી. વિસ્ફોટ મિલિટરી ડિમાર્કેશન લાઇન (MDL)ની દક્ષિણ તરફ થયો હતો. દક્ષિણ કોરિયાની સેનાએ તપાસ બાદ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ ઉત્તર કોરિયા દ્વારા બિછાવવામાં આવેલી લેન્ડમાઇન હોવાની સંભાવના ખૂબ વધારે છે. દક્ષિણ કોરિયા અને યુએન કમાન્ડની સંયુક્ત તપાસ દરમિયાન ઘટનાસ્થળની નજીક વધુ એક સક્રિય ઉત્તર કોરિયન એન્ટી-પર્સનલ લેન્ડમાઇન પણ મળી હતી. યુએન કમાન્ડે આ ઘટનાને કોરિયન યુદ્ધના યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘન તરીકે ગણાવી છે.કિમ યો જાેંગે ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી મારફતે આપેલા નિવેદનમાં દક્ષિણ કોરિયાના આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકોએ મિલિટરી ડિમાર્કેશન લાઇન પાર કરી નથી. તેમના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયા સરહદ પર અવરોધો અને અન્ય કિલ્લેબંધીનું કામ કરી રહ્યું છે, પરંતુ આ તેની સાર્વભૌમ સત્તાનો ઉપયોગ છે અને તેનો કોઈ લશ્કરી હેતુ નથી. તેમણે દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયાના સૈનિકો સરહદ પાર કરી રહ્યા હોવાના આરોપ સાથે તણાવ વધારવાનો પણ આરોપ મૂક્યો.કિમ યો જાેંગે કહ્યું કે જાે દક્ષિણ કોરિયાની સેના ઉત્તર કોરિયાના સૈનિકો પર જીવંત ગોળી ચલાવશે તો સરહદ પર તૈનાત ઉત્તર કોરિયાની ટુકડીઓ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરશે. તેમણે વધુમાં કહ્યું કે આવી સ્થિતિ માટે સરહદી સુરક્ષા ટુકડીઓને જરૂરી સૂચનાઓ પહેલેથી જ આપવામાં આવી છે. આ ઘટનાને કારણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગના ઉત્તર કોરિયા સાથે ફરી સંવાદ શરૂ કરવાના પ્રયાસો પણ મુશ્કેલ બની શકે છે. ઉત્તર કોરિયાએ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ કોરિયાને અલગ અને દુશ્મન દેશ તરીકે જાેવાની નીતિ અપનાવી છે અને સરહદ પર વાડ, અવરોધો તથા લેન્ડમાઇન સહિતની કિલ્લેબંધી વધારી છે.




