ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોનો આક્રોશ ગુજરાત ભાડા વિધેયક નો રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર વિરોધ અધિકારીઓને સત્તા સોંપવાની જાેગવાઈથી ન્યાયતંત્રની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોવાનો આક્ષેપ વકીલ મંડળો દ્વારા કરવામાં આવ્યો છે
ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા વિધેયક‘ નો રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકીલોએ સેશન્સ કોર્ટ સહિત વિવિધ કોર્ટ પરિસરોની બહાર એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આ વિધેયકની કેટલીક જાેગવાઈઓ સામે વાંધો ઉઠાવીને વકીલોએ કામકાજથી અળગા રહીને (હડતાળ પાડીને) પ્રતીક વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે કોર્ટની રોજિંદી કામગીરી પર પણ અસર જાેવા મળી હતી.વકીલોના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયકમાં સિવિલ કોર્ટોની સત્તા અને અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે, જે ન્યાયિક પ્રક્રિયા અને પક્ષકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂઆતના વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટની જગ્યાએ અન્ય એજન્સીઓ કે અધિકારીઓને સત્તા સોંપવાની જાેગવાઈથી ન્યાયતંત્રની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોવાનો આક્ષેપ વકીલ મંડળો દ્વારા કરવામાં આવ્યો છે.
કોર્ટ પરિસરની બહાર વિરોધ પ્રદર્શન કરતા વકીલોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ભાડા વિધેયકમાં સિવિલ કોર્ટની સત્તા પુન:સ્થાપિત કરે અથવા આ બિલમાં જરૂરી સુધારા-વધારા કરે. જાે વકીલોની રજૂઆતો અને માંગણીઓ પર યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન ચલાવવાની અને સંપૂર્ણ કામકાજ બહિષ્કાર કરવાની ચીમકી પણ વકીલ મંડળ દ્વારા આપવામાં આવી છે.




