આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા અને ખંભાળિયા વિસ્તારના ગ્રામજનો તથા ખેડૂતોને “જાગો દ્વારકાવાસીઓ જાગો”નું આહ્વાન કર્યું છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ACME સન પાવર પ્રા.લી. કંપની દ્વારા સમગ્ર વિસ્તારમાં કરોળિયાના જાળાની જેમ 220 kv ની મોટી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે, પરંતુ આ અંગે સામાન્ય જનતાને કોઈ જાણ કરવામાં આવી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અંગત સ્વાર્થ માટે મલાઈ ખાનારા પોલિટિકલ આગેવાનો અને નેતાઓ આ બાબત લોકોથી છુપાવી રહ્યા છે.
ઈસુદાન ગઢવીએ ચેતવણી આપતા કહ્યું કે સ્થાનિક ગ્રામજનોએ આગામી બે મહિનાની અંદર આ લાઈનો સામે વાંધા અરજી આપવી પડશે, નહિતર સરકાર એમ માની લેશે કે ખેડૂતોને આ પ્રોજેક્ટ સામે કોઈ વાંધો નથી. જોકે, તેમણે ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેઓ પોતે ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભા છે. ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે તેઓ પોતે ગામડે-ગામડે ટેબલ નાખીને બેસશે અને ગ્રામજનોની વાંધા અરજીઓ તૈયાર કરાવશે, તથા આ તમામ અરજીઓને આગળ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી પણ નિભાવશે. અંતમાં તેમણે તમામ ખેડૂતો અને ગ્રામજનોને પોતાના હક્કો પ્રત્યે સંપૂર્ણપણે જાગૃત થવા અપીલ કરી હતી.




