ભગવાન શ્રીરામ દ્વારા પિતા દશરથનું અને યુધિષ્ઠિર દ્વારા મૃતક યોદ્ધાઓ માટે કરવામાં આવેલું શ્રાદ્ધ
સનાતન હિન્દુ ધર્મમાં પિતૃ દેવો ભવ: કહીને પિતૃઓને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવી,તેમના આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પણ કરવું એ પ્રત્યેક મનુષ્યની પરમ ફરજ માનવામાં આવે છે.રામાયણ અને મહાભારત-આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ છે.આ બંને ગ્રંથોમાં પિતૃકાર્ય અને તર્પણનું ભારે મહત્વ દર્શાવતી બે અત્યંત માર્મિક અને પ્રેરણાદાયી કથાઓ મળે છે.એક કથા પ્રભુ શ્રીરામ દ્વારા વનવાસ દરમિયાન પિતા દશરથના શ્રાદ્ધની છે,જ્યારે બીજી કથા મહાભારતના ભયાનક યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા મૃતક યોદ્ધાઓ માટે કરાયેલા તર્પણ અને પિંડદાનની છે.આવો આ બંને પાવન પ્રસંગોને વિગતવાર સમજીએ.
રામાયણની આ કથા પિતૃપક્ષ દરમિયાન અત્યંત શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે.જ્યારે પ્રભુ શ્રીરામ-માતા સીતા અને લક્ષ્મણજી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે અયોધ્યામાં પુત્રવિયોગમાં રાજા દશરથે પ્રાણનો ત્યાગ કર્યો હતો.વનવાસ દરમિયાન જ્યારે પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષ આવ્યો ત્યારે પ્રભુ શ્રીરામને સ્વપ્નમાં અને આભાસ દ્વારા જ્ઞાત થયું કે પિતા દશરથનો આત્મા પિંડદાનની પ્રતીક્ષા કરી રહ્યો છે. શ્રાદ્ધ કર્મ માટે પ્રભુ શ્રીરામ-માતા સીતા અને લક્ષ્મણજી બિહારના પવિત્ર તીર્થસ્થળ ગયા ખાતે ફાલ્ગુ નદીના કિનારે પહોંચ્યા હતા.શ્રાદ્ધની વિધિ માટે સામગ્રી એકત્ર કરવી જરૂરી હતી.પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજી શ્રાદ્ધ માટે ફળ-ફૂલ અને અન્ય જરૂરી સામગ્રી લેવા માટે વનમાં ગયા.માતા સીતા નદી કિનારે એકલા બેઠા હતા અને પ્રભુ શ્રીરામની પ્રતીક્ષા કરી રહ્યા હતા. બપોરનો સમય થવા આવ્યો હતો અને પિંડદાનનો મુહૂર્તનો સમય વીતી રહ્યો હતો,બરાબર એ જ સમયે રાજા દશરથનો આત્મા માતા સીતા સમક્ષ પ્રકટ થયો.રાજા દશરથે સીતાજી પાસે પિંડની માંગણી કરી અને કહ્યું કે પુત્રી ! સમય વીતી રહ્યો છે,મને જલ્દી પિંડદાન આપો,મને બહુ ભૂખ અને તરસ લાગી છે. માતા સીતાએ વ્યાકુળ થઈને કહ્યું કે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ સામગ્રી લેવા ગયા છે,તેઓ આવે એટલે વિધિવત શ્રાદ્ધ થશે,પરંતુ દશરથજીના આત્માએ કહ્યું કે મુહૂર્ત નીકળી જશે તો તેમને મુક્તિ નહીં મળે તેથી જે પણ હાજર હોય તેનાથી જ પિંડદાન કરી દો.
માતા સીતાએ પિતૃધર્મનું પાલન કરવાનું નક્કી કર્યું.સામગ્રી ન હોવાથી તેમણે ફાલ્ગુ નદીની પવિત્ર રેતીનો પિંડ બનાવ્યો,તે સમયે ત્યાં ઉપસ્થિત પાંચ સાક્ષીઓ-ફાલ્ગુ નદી,એક ગાય,વડનું વૃક્ષ-અક્ષયવટ, બ્રાહ્મણ અને કેતકીનું ફૂલ-ને સાક્ષી માનીને સીતાજીએ રાજા દશરથને રેતીનો પિંડ અર્પણ કર્યો.રાજા દશરથનો આત્મા એ પિંડ સ્વીકારીને અત્યંત તૃપ્ત થયો અને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થઈ ગયો. સાક્ષીઓની અસત્ય વાણી અને સીતાજીનો શ્રાપ.. થોડીવાર પછી પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ સામગ્રી લઈને આવ્યા અને શ્રાદ્ધની તૈયારી કરવા લાગ્યા ત્યારે સીતાજીએ કહ્યું કે પિતૃકાર્ય પૂર્ણ થઈ ગયું છે અને પિતાજીએ પિંડ સ્વીકારી લીધો છે.શ્રીરામને સામગ્રી વિના શ્રાદ્ધ થયું તે વાત પર આશ્ચર્ય થયું, તેમણે સીતાજી પાસે પ્રમાણ માંગ્યું ત્યારે સીતાજીએ ત્યાં હાજર પાંચ સાક્ષીઓને પૂછવા કહ્યું પરંતુ પ્રભુ શ્રીરામના ક્રોધ કે ફરીથી દાન-દક્ષિણા મળવાની લાલચે ફાલ્ગુ નદી,ગાય,બ્રાહ્મણ અને કેતકીના ફૂલે અસત્ય બોલતા કહ્યું કે માતા સીતાએ કોઈ પિંડદાન કર્યું નથી.માત્ર અક્ષયવટ વડના વૃક્ષ એ સત્યનો સાથ આપ્યો અને કહ્યું કે માતા સીતાએ સાચે જ રેતીનું પિંડદાન કર્યું છે અને રાજા દશરથે તેનો સ્વીકાર કર્યો છે.આ સાંભળીને માતા સીતા અત્યંત ક્રોધિત થયા અને તેમણે અસત્ય બોલનારાઓને શ્રાપ આપ્યા.. ફાલ્ગુ નદી-તું માત્ર નામની નદી રહીશ,તારૂં પાણી જમીનની અંદર વહેશે અને ઉપર તું હંમેશા સૂકી
રહીશ.
ગાય-તને પૂજનીય ગણવામાં આવશે પણ તારે હંમેશા લોકોનું એઠું ખાવું પડશે. બ્રાહ્મણ-ગયાના બ્રાહ્મણો ક્યારેય તૃપ્ત નહીં થાય,ગમે તેટલું દાન મળશે તો પણ તેમની દરિદ્રતા અને ભૂખ કાયમ રહેશે. કેતકીનું ફૂલ-તારો ઉપયોગ ક્યારેય પૂજા-અર્ચનામાં નહીં થાય.
જ્યારે સત્ય બોલનારા અક્ષયવટને આશીર્વાદ આપ્યા કે તું અમર રહીશ અને ગયાજીમાં જે પણ પિંડદાન કરવા આવશે તે જ્યાં સુધી તારી પૂજા નહીં કરે ત્યાં સુધી તેનું શ્રાદ્ધ અધૂરું ગણાશે.આજે પણ ગયાજીમાં રેતીના પિંડદાનનું અને અક્ષયવટનું વિશેષ મહત્વ છે,જે સીતાજીના પવિત્ર પિતૃભક્તિની યાદ અપાવે છે.
મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિર દ્વારા મૃતક યોદ્ધાઓનું તર્પણ અને કર્ણનું સત્ય..
મહાભારતનું યુદ્ધ એ માનવ ઇતિહાસનું સૌથી ભયાનક અને વિનાશકારી યુદ્ધ હતું. કુરુક્ષેત્રની ભૂમિ પર સતત અઢાર દિવસ સુધી ચાલેલા આ મહાસંગ્રામમાં કરોડો યોદ્ધાઓ,વીરો,રાજાઓ અને સૈનિકો માર્યા ગયા હતા.યુદ્ધના અંતે પાંડવોનો વિજય થયો પરંતુ આ વિજય ભારે શોક અને વિલાપ લઈને આવ્યો હતો. ચારેય તરફ માત્ર લાશો અને વિધવાઓનો આક્રંદ હતો.
યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને પિતૃ કાર્યની ચિંતા..
યુદ્ધ સમાપ્ત થયા પછી ધર્મરાજ યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા જાહેર કરવામાં આવ્યા પરંતુ તેમનું મન ગ્લાનિ અને પશ્ચાતાપથી ભરેલું હતું.લાખો સગાં-વહાલાંઓના લોહીથી ખરડાયેલી સત્તા તેમને ડંખતી હતી.શાસ્ત્રોક્ત નિયમ અનુસાર યુદ્ધમાં માર્યા ગયેલા તમામ સબંધીઓ,ગુરૂઓ,ભાઈઓ અને સૈનિકોના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવું અનિવાર્ય હતું.ધર્મરાજ યુધિષ્ઠિર,બાકીના પાંડવો,ભગવાન શ્રીકૃષ્ણ અને માતા કુંતી સહિત કુરુક્ષેત્રની ભૂમિ અને ગંગા કિનારે પહોંચ્યા અને ગંગા કિનારે સામૂહિક તર્પણ કરવામાં આવ્યું હતું. મહાભારતના સ્ત્રી પર્વમાં આ પ્રસંગનું હૃદયસ્પર્શી વર્ણન છે.ગંગા નદીના પવિત્ર તટે હસ્તિનાપુરના તમામ બચેલા સભ્યો એકત્રિત થયા.ધર્મરાજ યુધિષ્ઠિરે મંત્રોચ્ચાર સાથે પિતૃઓ,ભીષ્મ પિતામહ,ગુરૂ દ્રોણ, દ્રુપદ,વિરાટ,પોતાના ભાઈઓ,દ્રૌપદીના પાંચ પુત્રો,અભિમન્યુ,ઘટટોત્કચ અને કૌરવોના તમામ ૧૦૦ ભાઈઓ માટે જલાંજલિ આપી અને પિંડદાન કર્યું હતું.તેઓએ દુશ્મન પક્ષના સૈનિકો માટે પણ ઉદારતાપૂર્વક તર્પણ કર્યું જેથી કોઈનો આત્મા ભટકતો ન રહે.
માતા કુંતીનો વિલાપ અને કર્ણનું રહસ્યસ્ફોટ..
જ્યારે તર્પણની વિધિ ચાલી રહી હતી ત્યારે માતા કુંતી અત્યંત વ્યાકુળ થઈને રડી પડ્યા,તેમણે ભારે હૃદયે યુધિષ્ઠિરને કહ્યું કે પુત્ર યુધિષ્ઠિર ! તું જેમના માટે તર્પણ કરી રહ્યો છે તેમાં હજુ એક મહાન વીર છૂટી ગયો છે,તારે સૂર્યપુત્ર મહાબલી કર્ણ માટે પણ પિંડદાન અને તર્પણ કરવું પડશે. યુધિષ્ઠિરે આશ્ચર્યથી પૂછ્યું કે માતા ! કર્ણ તો આપણો શત્રુ હતો,દુર્યોધનનો મિત્ર હતો અમે તેના માટે તર્પણ શા માટે કરીએ? અને તમે તેના માટે આટલા વ્યાકુળ કેમ છો? ત્યારે માતા કુંતીએ રડતા રડતા એ ભયાનક સત્ય સ્વીકાર્યું જે તેમણે જીવનભર છુપાવી રાખ્યું હતું. કુંતીએ કહ્યું કે કર્ણ તમારો શત્રુ નહોતો, તે મારો જ્યેષ્ઠ પુત્ર હતો,તે તમારા બધાનો મોટો ભાઈ હતો.લગ્ન પહેલાં સૂર્યદેવના આશીર્વાદથી તેનો જન્મ થયો હતો,લોકલાજના ભયથી મેં તેને નદીમાં વહાવી દીધો હતો.
યુધિષ્ઠિરનો આઘાત અને સ્ત્રી જાતિને શ્રાપ..
સત્ય સાંભળતા જ યુધિષ્ઠિરના પગ નીચેથી જમીન સરકી ગઈ,તેઓ ગંભીર આઘાતમાં સરી પડ્યા. જે જ્યેષ્ઠ ભાઈના ચરણોમાં હોવું જોઈતું હતું, તેના જ વધનું કારણ તેઓ બન્યા હતા.અર્જુન,ભીમ,નકુલ અને સહદેવ પણ આ જ્ઞાનથી સ્તબ્ધ થઈ ગયા.યુધિષ્ઠિરે અત્યંત દુઃખી થઈને રડતા રડતા ગંગાના જળમાં પોતાના મોટા ભાઈ કર્ણ માટે જલાંજલિ આપી અને વિધિવત તર્પણ કર્યું.આ મહાપાપ અને પશ્ચાતાપના ક્રોધમાં આવીને ધર્મરાજ યુધિષ્ઠિરે સમગ્ર સ્ત્રી જાતિને એક શ્રાપ આપ્યો કે આજ પછી દુનિયાની કોઈપણ સ્ત્રી પોતાના પેટમાં કોઈ પણ મોટી વાત કે રહસ્ય છુપાવી શકશે નહીં." માનવામાં આવે છે કે આ શ્રાપના કારણે જ સ્ત્રીઓ લાંબો સમય સુધી કોઈ ગુપ્ત વાત છુપાવી શકતી નથી.કર્ણનું તર્પણ એ મહાભારતની સૌથી કરૂણ ઘટનાઓ પૈકીની એક છે,જે સંબંધોના મોહ અને યુદ્ધની ભયાનકતાને ઉજાગર કરે છે.
બંને કથાઓનો આધ્યાત્મિક અને સામાજિક સંદેશ..
રામાયણ અને મહાભારતના આ બંને પ્રસંગો આપણને પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતાનો પાઠ ભણાવે છે. ભાવનું મહત્વ સામગ્રી કરતા વધુ છે.માતા સીતાના પ્રસંગ પરથી સમજાય છે કે પિતૃઓ સોના-ચાંદી કે મોંઘી સામગ્રીના ભૂખ્યા નથી હોતા.જો સાચા મન અને પવિત્ર ભાવથી માત્ર રેતી કે જળ પણ અર્પણ કરવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. શત્રુતાથી પર પિતૃધર્મ: ધર્મરાજ યુધિષ્ઠિરે માત્ર પોતાના સગા ભાઈઓ કે ગુરૂઓ માટે જ નહીં પણ કૌરવો અને શત્રુ પક્ષના સૈનિકો માટે પણ તર્પણ કર્યું.સનાતન ધર્મ શીખવે છે કે મૃત્યુ પછી કોઈ શત્રુ રહેતું નથી,આત્માની મુક્તિ માટે ઉદારતા અનિવાર્ય છે. સત્ય અને ધર્મની વિજય: અસત્ય બોલનારા સાક્ષીઓને માતા સીતાએ સજા આપી જે દર્શાવે છે કે ધાર્મિક કાર્યોમાં કપટ કે લાલચને કોઈ સ્થાન નથી.આમ પ્રભુ શ્રીરામનું પિતૃકાર્ય અને યુધિષ્ઠિરનું સામૂહિક તર્પણ એ ભારતીય સંસ્કૃતિની અજોડ મિશાલ છે,જે આજે પણ આપણને વડીલો અને પિતૃઓ પ્રત્યે આદર અને ફરજ નિભાવવાની પ્રેરણા પૂરી પાડે છે.
આલેખનઃ
કુ.લક્ષ્મી દુબે નિરંકારી




