બાબા રામદેવપીરનો અંતિમ ઉપદેશ અને જીવન-દર્શન
ભારતીય સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના આકાશમાં જેઓ એક ધ્રુવતારાની જેમ અવિસ્મરણીય સ્થાન ધરાવે છે તેવા રણુંજાના રાજા બાબા રામદેવપીર માત્ર ગુજરાત અને રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો આસ્થાળુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.અસહાયોના બેલી,ગરીબોના તારણહાર અને પીરોના પીર તરીકે પૂજાતા બાબા રામદેવજી મહારાજે પોતાના દિવ્ય કાર્યો,ચમત્કારો-
પરચા અને મહામૂલ્યાવાન અંતિમ ઉપદેશો દ્વારા માનવજાતને ભક્તિ-સમાનતા અને સેવામાર્ગનો સાચો માર્ગ બતાવ્યો છે.
ભાદરવા સુદ બીજ એ બાબા રામદેવપીરની જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે,જ્યારે ભાદરવા સુદ-૧૧ એકાદશીનો પવિત્ર દિવસ તેમના મહાસામાધિ પ્રયાણ સાથે જોડાયેલો છે. શાસ્ત્રોક્ત આધાર અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ.. લોકમાનસમાં એવી પ્રબળ આસ્થા છે કે બાબા રામદેવપીર એ અનંત કોટી બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી દ્વારિકાધીશ-શ્રીકૃષ્ણ અને ભોળાનાથ મહાદેવના સંયુક્ત અંશ તેમજ અવતાર છે.
તંવર રાજપૂત વંશ અને શાસ્ત્રોક્ત પ્રાગટ્ય:
ઐતિહાસિક તથા ધાર્મિક ગ્રંથો અનુસાર બાબા રામદેવજી મહારાજનો જન્મ ચંદ્રવંશી તંવર રાજપૂત કુળમાં થયો હતો.હિન્દુ શાસ્ત્રોની પરંપરા મુજબ જ્યારે-જ્યારે ધરતી પર ધર્મની ગ્લાનિ થાય છે અને અસત્ય તથા અન્યાય વધે છે ત્યારે ઈશ્વર અલગ-અલગ રૂપે અવતાર ધારણ કરે છે.કલયુગમાં ભક્તોના ઉદ્ધાર માટે અને અસહાયોને ન્યાય અપાવવા માટે શ્રીહરિએ રાજસ્થાનની ધરા પર રામદેવરૂપે પ્રાગટ્ય લીધું હતું.
જન્મ સમય અને સ્થળ..
આજથી આશરે ૬૭૧ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામ હાલનું રામદેવરા કે રણુંજા ખાતે તેમનો જન્મ થયો હતો, તેમના પિતાનું નામ રાજા અજમલરાય અને માતાનું નામ મિનળદેવી હતું.
અજમલરાયની તપસ્યા અને ભગવાન શ્રીકૃષ્ણનું વચન..
રામદેવપીરના પ્રાગટ્ય પાછળની પૌરાણિક કથા અત્યંત ભાવુક અને ચમત્કારિક છે.પોકરણના પ્રતાપી રાજવી અજમલરાય પ્રજાવાત્સલ્ય અને ધર્મપરાયણ હોવા છતાં નિઃસંતાન હતા.સંતાનસુખના અભાવે તેમના જીવનમાં એક ખાલીપો હતો.
કાશી અને દ્વારિકાની યાત્રા..
અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા.તેમને કોઈ સંતાન ન હોઈ તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા.જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો.અજમલરાય પત્ની મિનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા હતા.દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી.સમુદ્રની અંદર રહેલી પ્રાચિન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા હતા.અજમલજીએ દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું હતું.વિરમદેવ બાદ બાબા રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું.
દિવ્ય પ્રાગટ્ય..
સમય જતાં રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિએ રામદેવજી તરીકે જન્મ લીધો.પ્રાચીન માન્યતા અનુસાર જ્યારે બાબાનું પ્રાગટ્ય થયું ત્યારે મહેલમાં અદભુત દિવ્ય પ્રકાશ ફેલાયો અને કંકુના પગલાં પડ્યા હતા.સ્વયં ભોળાનાથ મહાદેવે પણ પધારીને બાબા રામદેવજીને ભમ્મર ભાલો,ગૂગળનો ધૂપ,ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની ઝોળી ભેટ આપી હતી.
ચમત્કારો-પરચા અને ;રામશાહપીરનું બિરૂદ..
બાબા રામદેવપીરે બાળપણથી જ અનેક અલૌકિક પરચા-ચમત્કારો આપ્યા હતા,જેના કારણે તેમની કીર્તિ ચારેય દિશામાં ફેલાઈ ગઈ હતી. એકવાર મક્કાથી પાંચ મુસ્લિમ પીરો બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળીને તેમની કસોટી કરવા આવ્યા હતા,તેઓ પોતાના ચમત્કારો ભૂલી ગયા હતા કારણ કે બાબાએ તેમને પોતાની દિવ્ય શક્તિઓનો અહેસાસ કરાવ્યો હતો.બાબાના ઉદાર સ્વભાવ અને દિવ્યતાથી પ્રભાવિત થઈને તે પીરોએ બાબાને 'રામશાહપીર' નું દિવ્ય નામ આપ્યું હતું ત્યારથી હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ બાબા રામદેવપીરને સમાન આદર-ભક્તિ અને શ્રદ્ધાથી પૂજવા લાગ્યા.
સમદર્શી અને સમાનતાવાદી દ્રષ્ટિકોણ..
બાબા રામદેવપીરે ક્યારેય જાતિભેદ,ઊંચ-નીચ કે અસ્પૃશ્યતાને સ્થાન આપ્યું નથી,તેમના દરબારમાં રાજા હોય કે રંક, કાળો હોય કે ગોરો-સૌ સમાન હતા.તેમણે માનવમાત્રને પ્રેમ-ભક્તિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે.
બાર ધર્મગુરૂઓનું આમંત્રણ..
એક પ્રખ્યાત કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરૂઓએ રામાપીરની કસોટી કરવા માટે એક જ સમયે પોતપોતાના સ્થાને પાટમાં પધારવાનું આમંત્રણ આપ્યું.બાબા રામદેવપીરે પોતાની યોગશક્તિ અને દિવ્યતાથી બારેય સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહીને પરચો પૂર્યો હતો.આથી પ્રભાવિત થઈને બારેય ધર્મગુરૂઓએ તેમનેબારબીજના ધણી તરીકે સ્વીકાર્યા.
ભાદરવા સુદ-૧૧: રણુંજા ખાતે મહાસામાધિ..
માત્ર ૪૨ વર્ષની ટૂંકી વયમાં પૃથ્વી પરના પોતાના નિયત કાર્યો પૂર્ણ કરીને વિક્રમ સંવત ૧૫૧૫ના ભાદરવા સુદ-૧૧ એકાદશીને ગુરૂવારના રોજ ભગવાન શ્રીરામદેવજી મહારાજે રામ સરોવરની પાળે રણુંજા ખાતે જીવંત મહાસામાધિમાં પ્રવેશ કર્યો હતો.
ઈ.સ.૧૯૩૧માં બિકાનેરના મહારાજ ગંગાસિંઘ દ્વારા તેમની આ પવિત્ર સમાધિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.આજે પણ રાજસ્થાનના રામદેવરા-રણુંજા અને દેશભરના અનેક મંદિરોમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક ચોખા,શ્રીફળ,ચુરમું,ગૂગળનો ધૂપ અને કપડાંના ઘોડા ચઢાવીને બાબાના ચરણોમાં શીશ ઝુકાવે છે.
બાબા રામદેવજી મહારાજના ચોવીસ ફરમાન-જીવન-દર્શન..
મહાસામાધિમાં પ્રવેશ કરતી વખતે બાબા રામદેવજી મહારાજે પોતાના ભક્તોને ચોવીસ ફરમાન રૂપે જે અંતિમ બોધ આપ્યો હતો તે માનવ જીવનના કલ્યાણ માટેનું શાશ્વત માર્ગદર્શન છે.
કહે રામદેવ સુણો ગતગંગા..
(૧) પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન,જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.
(૨) ગુરૂચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર,જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.
(૩) વાદ-વિવાદ કે નિંદા-ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને, આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.
(૪) ગુરૂપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાનસારને ધાર,ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર.
(૫) તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ,તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.
(૬) સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર,જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.
(૭) વચન વિવેકી જે હોય નરનારી નેકી-ટેકીને વળી વ્રતધારી,તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.
(૮) માતા-પિતા અને ગુરૂ સેવા કરવી,કરવો અતિથી સત્કાર,સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.
(૯) પ્રથમ પરોઢીયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ,એકમના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ.
(૧૦) એક આસને અજપા-જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ,દશેય ઈન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.
(૧૧) દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહ-માન અભિમાન,મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન.
(૧૨) સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ,મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.
(૧૩) સદવર્તનને શુભ-આચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર,સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.
(૧૪) દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય,નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.
(૧૫) નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ,એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.
(૧૬) જનસેવામાં જીવન ગાળે તે નર સેવાધર્મી કહેવાય,ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.
(૧૭) ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ,અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે,પામે પૂર્ણ વિશ્વાસ.
(૧૮) કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર,પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર અને નાર.
(૧૯) ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી,તે જન નહિ સેવક અમારા નહિ પાઠ-પૂજાના તે અધિકારી.
(૨૦) ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ,નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.
(૨૧) સભામહિ સાંભળવું સૌનું,રહેવું મુજ આજ્ઞા પ્રમાણ,મુજ પદનો તે છે જીવ અધિકારી,પામે પદ નિરવાણ.
(૨૨) નવને વંદન,નવને બંધન વળી જે હોય નવઅંકા,નવધા ભક્તિ તે નરને વરે,વરે મુક્તિને કોઈ નરબંકા.
(૨૩) દાન આપે છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ,આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.
(૨૪) હું છું સૌનો અંતરયામી નિજ ભક્તોનો રક્ષણહાર,
ધર્મ કારણ ધરતો હું વિધ-વિધ રૂપે
અવતાર..રામદાસજી મહારાજ કહે છે કે સાંભળો સંતો..લીલુડો ઘોડો અને ભંમર ભાલો આ પરમ પદની ઓળખાણ પીરે આપી છે,સમાધિના સમયે બોધ રૂપે ચોવીસ ફરમાનના રૂપમાં જે આજ્ઞાઓ આપી છે તે તમામ ભક્તોએ જીવનમાં અપનાવી જીવન ખુશહાલ બનાવીએ. બાબા રામદેવપીરના દિવ્ય વિચારો-ઉપદેશો અને તેમના ઇતિહાસને લોકભોગ્ય બનાવીને ઘરે-ઘરે પહોંચાડવાનું મહાન કાર્ય પ્રખ્યાત ભક્ત હરજી ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.
જન્મ અને પૃષ્ઠભૂમિ:
હરજી ભાટીનો જન્મ જોધપુરથી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા નજીક પંડિતજીકી ઢાણી ખાતે વિ.સં.૧૭૫૭માં જેસલમેરના રાજા ઊગમસિંહ ભાટીને ઘેર એક રાજપૂત પરિવારમાં થયો હતો.નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે બાબા રામદેવપીરની શરણ લીધી હતી. લોકવાયકા મુજબ તેમની કઠોર ભક્તિથી પ્રસન્ન થઈને રાબા રામદેવપીરે તેમને સાક્ષાત દર્શન આપ્યાં હતાં.હરજી
ભાટીએ રાજસ્થાન અને ગુજરાતમાં ગામે-ગામે પગપાળા ફરીને રામાપીરના ભજનો,કથાઓ અને વિચારોનો પ્રચાર કર્યો જેથી સામાન્ય જનમાનસમાં ધર્મ અને નૈતિકતાની જાગૃતિ આવી.વિ.સં.૧૮૩૮ માં એંસી વર્ષની વયે તેમણે સમાધિ લીધી હતી.નોંધનીય છે કે રામદેવપીર અને હરજીભાટીના સમયગાળો વચ્ચે આશરે ત્રણસો વર્ષથી વધુનું અંતર છે પરંતુ હરજીભાટીના પદો દ્વારા બાબાનો યશ અમર બન્યો છે. બાબા રામદેવપીરનું જીવન માત્ર ચમત્કારોની ગાથા નથી પરંતુ તે માનવતા,સમાનતા,નિસ્વાર્થ સેવા અને આધ્યાત્મિક ઉન્નતિનો જીવંત દસ્તાવેજ છે.ભાદરવા સુદ બીજ અને એકાદશીના પાવન અવસરે આપણે સૌ બાબાના જીવન-દર્શન અને તેમના ચોવીસ ફરમાનોને આપણા દૈનિક જીવનમાં આચરીને સન્માર્ગે આગળ વધીએ એ જ રણુંજાના ધણીના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ રહેશે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




