(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આજના સમયમાં સ્માર્ટફોન અને ટેકનોલોજી બાળકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. શિક્ષણથી લઈને મનોરંજન સુધીની તમામ બાબતો માટે બાળકો ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભર છે. પરંતુ બાળકોની કુમળી વય, તેમની સહજ જિજ્ઞાસા, અને તકનીકી દુનિયામાં છુપાયેલા જોખમો પ્રત્યેની અજ્ઞાનતાનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે. ફેક પ્રોફાઈલ,ઓનલાઇન ફ્રેન્ડશિપ, ગેમિંગ પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બાળકોનો સંપર્ક કરે છે.
શરૂઆતમાં મિત્રતાનો સ્વાંગ રચવામાં આવે છે, ત્યાર બાદ વાતો-વાતોમાં બાળકોનો વિશ્વાસ જીતીને તેમની અંગત માહિતી, તસવીરો કે વિડીયો મેળવી લેવામાં આવે છે. તેમના પરિવાર અને તેમની આવકની માહિતી મેળવી લેવાય છે.
સગીર વયની દીકરીઓના કિસ્સામાં આ પરિસ્થિતિ વધુ સંવેદનશીલ અને ગંભીર બની જાય છે. ગઠિયાઓ સોશિયલ મીડિયા પર દીકરીઓને મીઠી-મીઠી વાતોમાં ભોળવીને કે પોતાની આભાસી સુંદર દુનિયા બતાવીને પ્રેમજાળમાં ફસાવે છે. આ પછી અંગત ફોટોગ્રાફ્સ કે વીડિયો મેળવીને તેને વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, જેને સાયબર બ્લેકમેલિંગ કહેવામાં આવે છે. દીકરીઓ ભય, શરમ અને સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવવાના ડરથી પોતાના માતા-પિતા કે પરિવારજનોને આ વાત જણાવી શકતી નથી. આ ડરનો લાભ લઈને ગુનેગારો તેમનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ વધારતા જાય છે. કેટલાક કિસ્સાઓમાં બાળકો માનસિક તણાવ, ડિપ્રેશન અને અંતે આત્મહત્યા જેવા અતિશય દૂષિત પગલાં ભરી લેતા હોય છે. જે અત્યંત દુઃખદ બાબત છે. દરેક વાલીઓએ બાળકોનેએ સમજાવવું જરૂરી છે કે અજાણી વ્યક્તિને પોતાની અંગત માહિતી, એડ્રેસ ક્યારેય ન આપે.




