બહાર ખાવું, ફરવું અને ખરીદી કરવી હવે અતિશય મોંઘી ઓક્ટોબરની શરૂઆત સાથે મોંઘવારીનો વધુ એક ઝટકો સ્માર્ટ ટીવી, સ્પ્લિટ એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઘરેલુ ઈલેક્ટ્રોનિક સાધનોના ભાવમાં ૫થી ૮ ટકા સુધીનો વધારો
ઓક્ટોબર મહિનાની શરૂઆત સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ઝટકો લઈને આવી છે. તહેવારોની સિઝનમાં જ્યારે ગ્રાહકો ખરીદીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), ઘરેલુ ઈલેક્ટ્રોનિક સાધનો અને પાસપોર્ટ સેવાઓ મોંઘી થવાથી હોટેલ ઉદ્યોગ, હવાઈ મુસાફરી અને સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડશે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૬૨.૫૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ વધારા પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૨૮૧૦ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં તે ૨૭૬૪ રૂપિયા પર પહોંચી ગઈ છે. પટણામાં સૌથી વધુ ૭૧.૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. આના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિંગ ઉદ્યોગ પર વધારાનો આર્થિક ભાર પડશે અને તહેવારોની સિઝનમાં ખાદ્ય સેવાઓની કિંમતો વધી શકે છે.
ચાલુ મહિનાથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પ્રતિ લિટર ૧૬ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એવિએશન સેક્ટરમાં ઈંધણનો ખર્ચ કુલ ઓપરેટિંગ ખર્ચના આશરે ૪૦ ટકા જેટલો મોટો ભાગ ધરાવે છે. આ સંજાેગોમાં દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો ટાણે મુસાફરોની વધતી માંગ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવામાં આવી શકે છે, જેને કારણે આગામી સમયમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી સાબિત થશે.
વૈશ્વિક બજારમાં તાંબુ, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા કાચા માલની કિંમતો વધવાને કારણે સ્માર્ટ ટીવી, સ્પ્લિટ એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઘરેલુ ઈલેક્ટ્રોનિક સાધનોના ભાવમાં ૫થી ૮ ટકા સુધીનો વધારો થયો છે, જેનાથી ગ્રાહકોએ ૧૨૦૦થી ૩૫૦૦ રૂપિયા સુધી વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત, સામાન્ય શ્રેણીના પાસપોર્ટ માટેના અરજી શુલ્કમાં પણ ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે વિદેશ જતા કે અભ્યાસ અર્થે અરજી કરતા લોકોને અસર કરશે.
અનેક તહેવારો અને લગ્નની આ સિઝનમાં ગેસ સિલિન્ડર, હવાઈ ઈંધણ અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોના ભાવ વધવાથી સામાન્ય લોકોનું બજેટ ગરમાયું છે. જાે ઊર્જા અને કાચા માલની કિંમતો ઊંચી રહેશે તો આગામી સમયમાં અન્ય વસ્તુઓ પર પણ મોંઘવારીનું દબાણ વધી શકે છે.




