પશુપાલકો માટે ખુશખબર દેશભરમાં ખુલશે ૭૫,૦૦૦ નવી ડેરીઓ, અમિત શાહની મોટી જાહેરાત કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભોપાલમાં શ્વેત ક્રાંતિ ૨.૦ અંતર્ગત મહત્વપૂર્ણ ર્નિણયોની જાહેરાત કરી હતી ભોપાલ ખાતે આયોજિત રાજ્ય સ્તરીય ગાય સંવર્ધકોની વિશેષ પરિષદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દેશના ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપવા અને પશુપાલકોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે શ્વેત ક્રાંતિ ૨.૦ અંતર્ગત સમગ્ર ભારતભરમાં ૭૫,૦૦૦ નવી સહકારી ડેરીઓ શરૂ કરવામાં આવશે. વિશેષ આનંદની વાત એ છે કે આ નવી ડેરીઓમાંથી સૌથી વધુ સંખ્યામાં ડેરીઓ મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થાપવામાં આવશે. આ ઐતિહાસિક ર્નિણયથી ગામડાઓમાં વસતા નાના અને સીમાંત પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. સહકારી માળખા સાથે જાેડાવાથી તેઓ પોતાના દૂધના યોગ્ય અને પોષણક્ષમ ભાવો મેળવી શકશે, જેનાથી સ્થાનિક સ્તરે જ રોજગારીની હજારો નવી તકોનું નિર્માણ થશે.
ભારત આજે પણ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ વૈશ્વિક ગૌરવને જાળવી રાખવા અને ડેરી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આશરે એક વર્ષ અગાઉ શ્વેત ક્રાંતિ ૨.૦ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો ઉદ્દેશ માત્ર દૂધના વેચાણ પૂરતો સીમિત નથી. દૂધમાંથી બનતી વિવિધ બનાવટો (પ્રોસેસિંગ) અને તેના દેશ-વિદેશમાં સચોટ માર્કેટિંગ માટેની આખી વ્યવસ્થાને સુદઢ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પશુપાલકો ગાયના છાણમાંથી બાયોગેસ અને ઓર્ગેનિક ખાતર (જૈવિક ખાતર) બનાવીને પણ પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે તે માટેની આધુનિક માળખાગત સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. ગ્રામ્ય સ્તરે દૂધ એકત્રીકરણની વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવામાં આવશે.
પશુપાલન ક્ષેત્રે નવી ટેકનોલોજીના ઉપયોગ અને પશુઓની ઉચ્ચ ઓલાદ (જાતિ) સુધારણા પર વિશેષ ભાર મૂકતા અમિત શાહે જણાવ્યું હતું કે, આ આધુનિક કાર્ય માટે ૫૦ એકર જમીનની માંગણી કરવામાં આવી હતી, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ઢબે સારી ઓલાદની અને વધુ દૂધ આપતી ગાયો તૈયાર થવાથી દૂધના એકંદર ઉત્પાદનમાં માતબર વધારો થશે. આનાથી સીધો લાભ પશુપાલન કરતા ખેડૂતોને થશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનશે.
સહકારી ડેરી ઉદ્યોગને મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્યમ ગણાવતા તેમણે ઉમેર્યું કે, ડેરી અને પશુપાલન વ્યવસાયમાં મોટાભાગે મહિલાઓ જ સક્રિય રીતે જાેડાયેલી હોય છે. ગામડાઓમાં નવી ડેરીઓ ખૂલવાથી લાખો મહિલાઓ માટે સ્વતંત્ર કમાણીની નવી દિશાઓ ખૂલશે અને તેઓ આર્થિક રીતે પગભર થશે. આ જ કોન્ફરન્સના મંચ પરથી અમિત શાહે યુવાનોના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મધ્યપ્રદેશને ડ્રગ્સના દૂષણથી બચાવી સંપૂર્ણપણે નશામુક્ત રાજ્ય બનાવવાની કેન્દ્ર સરકારની દૃઢ પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.




