અમેરિકામાં ઓરીનો પ્રકોપ ન્યૂયોર્કમાં હેલ્થ ડિઝાસ્ટર ઇમર્જન્સી જાહેર, ૧૯૯૧ પછી સૌથી ભયાનક સ્થિતિ રજિસ્ટર્ડ નર્સો શંકાસ્પદ ઓરીના પરીક્ષણોનો ઓર્ડર આપી શકશે, અને ફાર્માસિસ્ટ ૨ વર્ષ સુધીના બાળકોને રસી આપી શકશે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સોમવારે રાજ્યમાં ઓરી ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરી છે. વર્ષ ૨૦૨૫ થી ઓરીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે યુએસ (US) ના કોઈપણ રાજ્ય દ્વારા આ પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે.
ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા કેસોને રોકવા માટે રાજ્ય સરકારે MMR (મીઝલ્સ-મમ્પ્સ-રુબેલા) રસી આપવા માટે અધિકૃત આરોગ્ય વ્યાવસાયિકોના દાયરાને પણ વિસ્તૃત કર્યો છે.
સત્તાવાર આદેશ અનુસાર, ન્યૂયોર્કમાં આ વર્ષે ૩ ઓક્ટોબર સુધીમાં ઓરીના કુલ ૧૦૮ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૮ કાઉન્ટીના ઓછા રસીકરણ વાળા ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ જુલાઈ પછી ૯૨ કેસ સામે આવ્યા છે. આ કેસો સામાન્ય વાર્ષિક સરેરાશ કરતા ઘણા વધારે છે. આમાંથી ૭ કેસ ન્યૂયોર્ક સિટીમાં અને ૧૦૧ કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ જુલાઈથી ગ્રામીણ વિસ્તારોમાં ૧,૦૦૦ થી વધુ MMR રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગવર્નરે જણાવ્યું હતું કે, “રસી દ્વારા રોકી શકાય તેવા રોગથી કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર ન પડવી જાેઈએ કે તેનું મૃત્યુ ન થવું જાેઈએ.” પડોશી રાજ્ય પેન્સિલવેનિયામાં પણ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં ૨ ઓક્ટોબર સુધીમાં ૯૭૭ કેસ અને ૫ મૃત્યુ નોંધાયા છે. પેન્સિલવેનિયામાં કુલ કેસ હવે ૧,૦૦૦ ને પાર થઈ ગયા છે. જે છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યનો સૌથી મોટો ફાટી નીકળેલો પ્રકોપ છે. સીડીસી મુજબ, ૧૯૯૧ પછી આ વર્ષ અમેરિકા માટે ઓરીની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે, જેમાં દેશભરમાં લગભગ ૩,૯૦૦ કેસ નોંધાયા છે.
નવા ઇમરજન્સી આદેશ હેઠળ રજિસ્ટર્ડ નર્સો શંકાસ્પદ ઓરીના પરીક્ષણોનો ઓર્ડર આપી શકશે અને ફાર્માસિસ્ટ બે વર્ષ સુધીના બાળકોને રસી આપી શકશે. આ સાથે તમામ MMR રસીકરણની માહિતી ૭૨ કલાકની અંદર રાજ્ય અથવા ન્યૂયોર્ક સિટીના ઇમ્યુનાઇઝેશન રજિસ્ટ્રીમાં મોકલવી ફરજિયાત કરવામાં આવી છે. આ કટોકટી સોમવારથી લાગુ થઈ ગઈ છે અને ૪ નવેમ્બર સુધી અમલમાં રહેશે.




