(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
લોકશાહીની વાસ્તવિક તાકાત એમાં છે કે સત્તા સામે સવાલ પૂછનાર નાગરિકને કેટલી સ્વતંત્રતા મળે છે અને અસહમતિના અવાજને કેટલી ગંભીરતાથી સાંભળવામાં આવે છે, અને એમાં ખાસ કરીને જ્યારે દેશના યુવાનો શિક્ષણ, રોજગાર, પરીક્ષાઓમાં ગેરરીતિ અને પોતાના ભવિષ્યને લઈને સડકો પર ઉતરે છે, ત્યારે સરકારની જવાબદારી તેમની સમસ્યાઓને સમજવાની અને ઉકેલ શોધવાની બને છે. પરંતુ જ્યારે સંવાદના સ્થાને કડકાઈ અને પ્રશ્નોના જવાબો આપવાને બદલે દમનનો માર્ગ અપનાવવામાં આવે છે, ત્યારે માત્ર એક આંદોલન નહીં, પરંતુ લોકશાહી મૂલ્યો પણ કસોટીની એરણ પર ચઢે છે.
અહીં સવાલ એ છે કે યુવાનોને વિરોધ કરવા માટે રસ્તા પર આવવાની ફરજ શા માટે પડે છે? શું સરકારી કચેરીઓ, શિક્ષણ વિભાગો અને સંબંધિત મંત્રાલયો તેમની વાત સાંભળવા માટે પૂરતાં સક્ષમ નથી? જો ફરિયાદોનો સમયસર ઉકેલ આવે, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત થાય, તો આંદોલનની પરિસ્થિતિ ઊભી જ ના થાય. સરકાર પાસે સત્તા છે, વહીવટી તંત્ર છે અને સમસ્યાઓ ઉકેલવા માટેના સાધનો છે, તેથી યુવાનોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી પણ સરકારની બને છે.
વિરોધ પ્રદર્શનને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવાની માનસિકતા લોકશાહી માટે સારી નથી. નિઃશંકપણે, કોઈપણ આંદોલનમાં હિંસા, તોડફોડ કે કાયદાનો ભંગ થાય તો તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. શાંતિપૂર્ણ વિરોધના નામે હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં, લોકશાહીની સાચી જીત યુવાનોને ચૂપ કરાવવામાં નહીં, પરંતુ તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં છે.




