મોદીએ Gen-Z માટે કરી ખાસ વાત વર્તમાન પેઢી સામે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઐતિહાસિક તક છે ‘વિકસિત ભારત સંકલ્પ સભા-સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમમાં યુવાનોને દેશના વિકાસ માટે સંપૂર્ણ ઊર્જા સાથે કામ કરવા આહ્વાન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દેશના વિકાસ માટે સંપૂર્ણ તાકાત અને જાેશ સાથે આગળ વધવા આહ્વાન કર્યું છે. જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા-સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આરામ કરવાનો સમય નથી. આ સમય જાેશ સાથે આગળ વધવાનો અને પોતાને દેશ માટે સમર્પિત થવાનો છે. તેમણે કહ્યું કે, આજે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો છે અને આ દેશના ઇતિહાસમાં મળેલી ખૂબ મોટી તક છે. આ તક ગુમાવવી જાેઈએ નહીં.
વડાપ્રધાને યુવા સાથીઓને કહ્યું કે તેમના દાદા-દાદી અને નાના-નાનીની પેઢીએ જે મુશ્કેલીઓ સહન કરી, તે મુશ્કેલીઓ તેમણે ન ભોગવવી પડે તે માટે આજથી જ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે આપણો પ્રયાસ એવો હોવો જાેઈએ કે આવનારી પેઢીઓના ભાગ્યમાં પણ એ મુશ્કેલીઓ ન આવે.PM મોદીએ કહ્યું કે, આ જ ઉદ્દેશ્ય સાથે તેઓ સતત કામ કરી રહ્યા છે. તેમણે યુવાનોને દેશના ભવિષ્યની સૌથી મોટી તાકાત ગણાવતા કહ્યું કે, વર્તમાન પેઢી સામે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઐતિહાસિક તક છે. આ માટે યુવાનોએ પોતાની ઊર્જા અને સામર્થ્ય દેશના નિર્માણમાં લગાવવું પડશે. વડાપ્રધાન મોદીએ પોતાની રાજકીય સફરના શરૂઆતના દિવસોને યાદ કરતાં કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતમાં હતા, ત્યારે એક મંત્ર સાથે કામ કરતા હતા- ‘ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ.’ તેમણે કહ્યું કે, એ સમય પડકારોથી ભરેલો હતો. તેમની પાસે ન તો સરકાર ચલાવવાનો અનુભવ હતો, ન વહીવટી વ્યવસ્થાનો અનુભવ અને ન તો ખૂબ વધારે જ્ઞાન.
PM મોદીએ કહ્યું કે, તે સમયે તેમની પાસે જાે કંઈ હતું તો તે જનતા પરનો વિશ્વાસ અને જનશક્તિ પરનો ભરોસો હતો. તેમણે આ વિશ્વાસને પોતાની તાકાત બનાવી. તેમણે કહ્યું કે જનતાને સાથે રાખીને ર્નિણયો લીધા, જનભાગીદારીથી નીતિઓ બનાવી અને લોકોને સાથે રાખીને જ તે નીતિઓનો અમલ કર્યો. તેમણે ‘આપણે આ કરીને બતાવીશું’ના સંકલ્પ સાથે આગળ વધવાનું શરૂ કર્યું અને જ્યારે જનતા સાથે હોય છે ત્યારે પરિણામ પણ સામે આવે છે. વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાં આ કરીને બતાવવામાં આવ્યું અને આજે ગુજરાત જે મુકામ પર પહોંચ્યું છે, તેનું ઉદાહરણ દુનિયા આપે છે.
વડાપ્રધાને જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ કરવાની પોતાની સફરને યાદ કરતાં કહ્યું કે આજથી ૨૫ વર્ષ પહેલાં જ્યારે તેઓ ૫૦ વર્ષના હતા, ત્યાં સુધી તેમણે પોતાનો ઘણો સમય જંગલોમાં આદિવાસી સમુદાયોની વચ્ચે સેવા કરવામાં અને પહાડોની વચ્ચે રહીને વિતાવ્યો હતો. તે સમયે તેમના રાજકીય જીવનના રેકોર્ડમાં મુખ્યત્વે એક સંગઠન કાર્યકર તરીકેનું કામ જ નોંધાયેલું હતું. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીમાં સક્રિય જરૂર રહ્યા હતા, પરંતુ તેમણે પોતે ક્યારેય ચૂંટણી લડી નહોતી. જાે તેમનું લક્ષ્ય ચૂંટણીની રાજનીતિમાં આગળ વધવાનું હોત તો તેઓ ઘણા સમય પહેલાં જ ચૂંટણીના મેદાનમાં ઉતરી શક્યા હોત, પરંતુ તેમનો સ્વભાવ એવો નહોતો.




