વિદ્યાર્થિનિઓએ સરકારના ર્નિણય વિરોધ કર્યાે, અઝરબૈજાનમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં શાળામાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થિનીઓ રડતી જાેવા મળી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ અઝરબૈજાનમાં શાળાઓમાં હિજાબ પહેરવા અંગે નવો વિવાદ ઊભો થયો છે. સરકારે શાળાઓના ડ્રેસ કોડમાં સુધારો કરીને એવા કપડાં પર પ્રતિબંધ મૂક્યો છે, જે દેશના બિનસાંપ્રદાયિક નિયમોની વિરુદ્ધ હોય.આ ર્નિણય બાદ હિજાબ પહેરીને આવેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકાઓને વર્ગખંડમાં પ્રવેશતાં રોકવામાં આવી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થિનીઓએ વર્ગાેનો બહિષ્કાર કરી પ્રદર્શનો શરૂ કર્યાં છે. આ વિવાદનો વિરોધ હવે પડોશી દેશ તુર્કી સુધી પહોંચી ગયો છે. અઝરબૈજાનની અંદાજે ૯૬ ટકા વસતિ મુસ્લિમ છે, જેમાં મોટાભાગના શિયા અને નોંધપાત્ર સંખ્યામાં સુન્ની મુસ્લિમો છે. સરકારનું કહેવું છે કે શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ માટે એકસમાન ડ્રેસ કોડ હોવો જરૂરી છે, તેથી યુનિફોર્મના નિયમો બદલવામાં આવ્યા છે. જાેકે, નવા નિયમોમાં ‘હિજાબ’ શબ્દનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ બિન-સાંપ્રદાયિકતાના સિદ્ધાંતો વિરુદ્ધના પોશાક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ સાથે જાેડાયેલાં વસ્ત્રો ખાસ પ્રસંગોએ શાળા સમિતિની મંજૂરી લઈને જ પહેરી શકાશે. અઝરબૈજાનનું બંધારણ દેશને બિનસાંપ્રદાયિક જાહેર કરે છે અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. એક તરફ સરકાર સમાનતા માટે ડ્રેસ કોડ અમલી બનાવવા માગે છે, તો બીજી તરફ વિરોધ કરનારાઓનું કહેવું છે કે હિજાબ એ વ્યક્તિગત પસંદગી અને ધાર્મિક આસ્થાનો વિષય છે.સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, ઓછામાં ઓછી બે શાળાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગાેનો બહિષ્કાર કર્યાે છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં શાળામાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થિનીઓ રડતી જાેવા મળી હતી. શિક્ષિકા ઝહરા હસાનોવાએ જણાવ્યું હતું કે હિજાબ ધારણ કરવો કે ઉતારવો એ વ્યક્તિનો અંકુશિત અને અંગત ર્નિણય હોવો જાેઈએ.




