૧ નવેમ્બરથી નવો નિયમ લાગુ ફોનની ઘંટડી વાગતા જ ખબર પડી જશે કોણે કોલ કર્યો છે ૧ નવેમ્બરથી દેશના તમામ મોબાઈલ ગ્રાહકો માટે કોલ કરનારનું નામ ફોનની સ્ક્રીન પર દેખાડવું ફરજિયાત બનશે ટેલિકોમ ક્ષેત્રે સાયબર ફ્રોડ અને સ્પામ કોલ્સ પર લગામ લગાવવા માટે સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ૧ નવેમ્બર, ૨૦૨૬થી દેશના તમામ મોબાઈલ ગ્રાહકો માટે કોલ કરનાર વ્યક્તિનું નામ ફોનની સ્ક્રીન પર દેખાવાની સુવિધા ફરજિયાત થઈ શકે છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે માત્ર મોબાઈલ નંબર જ નહીં પરંતુ કોલ કરનાર વ્યક્તિનું સત્તાવાર નામ પણ સ્ક્રીન પર સ્પષ્ટપણે દેખાશે. દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા કોલરની ઓળખ સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને ૧૩ ઓક્ટોબરના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરી દેવાયો છે.
અત્યાર સુધી કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે લોકો કોઈ મહત્ત્વનો કોલ સમજીને તેને ઉપાડી લેતા હતા, પરંતુ ઘણીવાર તે સ્પામ કે ઠગાઈ કરનારા કોલ સાબિત થતા હતા. નવા નિયમ અનુસાર, હવે કોલ કરનારના નંબરની સાથે ટેલિકોમ કંપનીના સબસ્ક્રાઇબર રેકોર્ડમાં (SIM ખરીદતી વખતે) નોંધાયેલું સાચું નામ પણ આઇડેન્ટિટી તરીકે સ્ક્રીન પર દેખાશે. આ સુવિધાના કારણે ગ્રાહકો કોલ રિસીવ કરતા પહેલા જ નક્કી કરી શકશે કે ફોન ઉપાડવો કે નહીં. ખાસ કરીને વૃદ્ધો અને ઓછું ભણેલા લોકો, જેઓ અજાણ્યા કોલ પર સરળતાથી વાતચીત શરૂ કરીને ઠગાઈનો ભોગ બનતા હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ ઉપયોગી નીવડશે.
રિપોર્ટ અનુસાર, કોલર નેમ દર્શાવવાની આ સેવા 2G અને 3G નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે નહીં. એટલે કે જે ગ્રાહકો હજુ પણ જૂના નેટવર્ક અથવા ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને હાલમાં આ સુવિધાનો લાભ મળી શકશે નહીં. માત્ર 4G અને તેનાથી ઉપરના (જેમ કે 5G) નેટવર્કનો ઉપયોગ કરતા ગ્રાહકો જ આ સુવિધાનો પૂરો ફાયદો ઉઠાવી શકશે.
સ્ક્રીન પર નામ દેખાવાથી સ્પામ અને સ્કેમ કોલ્સ ઓળખવામાં મોટી મદદ મળશે, પરંતુ તેનો અર્થ એ નથી કે નામ દર્શાવતો દરેક કોલ સંપૂર્ણપણે સલામત જ હશે. સાયબર ઠગો ઘણીવાર ફેક આઇડી કે ખોટી ઓળખ બનાવીને પણ કોલ કરી શકે છે. આથી, ગ્રાહકોએ અજાણ્યા કોલ પર પોતાના બેંક એકાઉન્ટની વિગતો, OTP કે અન્ય કોઈ પણ અંગત માહિતી ક્યારેય શેર કરવી જાેઈએ નહીં. જરૂર જણાય તો જાતે સત્તાવાર નંબર પર કોલ કરીને જ માહિતીની ખાતરી કરવી. આ નવો નિયમ સામાન્ય લોકોને રાતદિન આવતા નકામા કોલ્સથી ચોક્કસપણે રાહત અપાવશે, છતાં દરેક સ્તરે સાવચેતી રાખવી અનિવાર્ય છે.




