આ દિવાળી પર ૨૦% સુધી મોંઘા મળશે ફટાકડા આ વર્ષે દિવાળી પર ફટાકડા ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે કાચા માલની કિંમતોમાં વધારો, સપ્લાયમાં વિલંબ અને સુરક્ષા તપાસના કારણે ફટાકડાના ભાવ વધી શકે છે
દિવાળીનો તહેવાર નજીક આવતા જ ફટાકડાની ખરીદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે આતશબાજીનો શોખ લોકોના ખિસ્સા પર ભારે પડી શકે છે. કાચા માલની કિંમતોમાં ઉછાળો અને ફટાકડા ફેક્ટરીઓ પર કડકાઈના કારણે આ વર્ષે ફટાકડાના ભાવ ૧૫ થી ૨૦ ટકા સુધી વધવાની આશંકા છે. તેની અસર તહેવાર માટે ખરીદી કરનારા ગ્રાહકો પર પડી શકે છે.
ભારતમાં ફટાકડાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર તામિલનાડુનું શિવકાશી છે. અહીં તૈયાર થતા ફટાકડાનો પુરવઠો દેશના ઘણા ભાગોમાં થાય છે. આ વખતે ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રસાયણોની કિંમતોમાં વધારાથી ઉત્પાદકોનો ખર્ચ વધી ગયો છે. ફટાકડાના વેપાર સાથે જાેડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, સલ્ફરની કિંમત એક સમયે ૭૫ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૧૪૦ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. પાછળથી તેમાં થોડો ઘટાડો આવ્યો અને કિંમત લગભગ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો રહી ગઈ. આ સિવાય એલ્યુમિનિયમ, સોડિયમ નાઈટ્રેટ અને અન્ય જરૂરી સામગ્રી પણ લગભગ ૩૦ ટકા મોંઘી થઈ છે.
ફટાકડા ઉત્પાદકો સામે માત્ર મોંઘા કાચા માલની સમસ્યા નથી. ખાડી ક્ષેત્રમાં શિપિંગ સાથે જાેડાયેલી અડચણોના કારણે સલ્ફર અને ચોંટાડવાના પદાર્થોની સપ્લાયમાં પણ વિલંબ થયો છે. સામાન પહોંચવામાં વધુ સમય લાગવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. વેપારીઓનો અંદાજ છે કે આ કારણોસર ફટાકડા બનાવવાની કિંમતમાં લગભગ ૧૫ ટકા સુધીનો વધારો થઈ શકે છે.
તંત્ર દ્વારા ફટાકડા ફેક્ટરીઓમાં સુરક્ષા નિયમોની તપાસ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ૧૦ મહિનામાં ૨૪ અકસ્માતોમાં ૪૧ લોકોના મોત અને ૩૯ લોકો ઘાયલ થયા બાદ ૭૦૦ થી વધુ યુનિટ્સનું નિરીક્ષણ સામે આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે જાેખમી સામગ્રી સાથે જાેડાયેલા વેપારમાં સુરક્ષા નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બજારમાં ૧૦ મોટા અનારના પેકેટની કિંમત લગભગ ૫૫ રૂપિયા, ૧૦ સ્પેશિયલ ગ્રાઉન્ડ સ્પિનરની કિંમત ૮૦ રૂપિયા અને પાંચ બે-અવાજ વાળા રોકેટની કિંમત ૭૦ રૂપિયા બતાવવામાં આવી હતી. તહેવાર દરમિયાન માંગ વધવા પર કિંમતો વધુ ઉપર જઈ શકે છે. વેપારીઓના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચના કારણે આ વખતે ગ્રાહકોએ ફટાકડા ખરીદવા માટે વધુ બજેટ રાખવું પડી શકે છે.




