રૂ. ૧,૩૫૦ કરોડના ખર્ચે વિકાસ સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર વધશે: ફેઝ-૩નું કામ શરૂ થશે ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી ફેઝ-૩ હેઠળ ૧.૨૫ લાખથી વધુ વૃક્ષો, વ્યુઇંગ પ્લાઝા અને ડેક બનશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણની દિશામાં શહેરી વિકાસ વિભાગ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ અંતર્ગત ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી રૂ. ૧,૩૫૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટની બંને બાજુએ કુલ લંબાઈ ૪૩ કિલોમીટર થઈ જશે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ હેઠળ પર્યાવરણ અને પ્રવાસનને પ્રાધાન્ય આપીને વિવિધ સુવિધાઓ ઊભી કરાશે. જેમાં લોઅર અને મિડલ પ્રોમિનાડ લેવલ પર ૧.૨૫ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે, તેમજ ૧૦ વ્યુઇંગ પ્લાઝા, ૮ ડેક અને પોન્ટુનનું નિર્માણ કરાશે. બંને કાંઠે ડાયાફ્રેમ વોલ, એન્કર સ્લેબ અને પ્રથમ રિટેઈનિંગ વોલ સહિતની કામગીરી રૂ. ૩૩૯.૩૦ કરોડના ખર્ચે મે. આર.કે.સી. ઈન્ફ્રાબિલ્ટને સોંપવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨ અંતર્ગત નદીના બંને કાંઠે ડનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના ૫.૫૦ કિલોમીટર (બંને બાજુ મળીને કુલ ૧૧ કિલોમીટર) વિસ્તારને અંદાજિત રૂ. ૧,૨૮૫ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે, જેનાથી કુલ લંબાઈ ૩૪ કિલોમીટર થશે. આ તબક્કામાં લોઅર પ્રોમિનાડમાં ડાયાફ્રેમ વોલ અને એન્કર સ્લેબની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચૂકી છે. ગ્રીન ઝોન, વિવિધ લેવલ પર વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ કલ્ચર અને બેસવા માટેની સીટિંગ વ્યવસ્થા પણ વિકસાવાશે, જે પૂર્ણ થયા બાદ શહેરીજનો વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધી નદીના સમાંતર લોંગ ડ્રાઈવનો લાભ લઈ શકશે.




