Gujarat Congress Candidate List: કોંગ્રેસે ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક પરથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોની યાદી શેર કરતાં ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી.
સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિકભાઈ મકવાણાનો મુકાબલો ભાજપના ચંદુભાઈ સિહોરા સાથે થશે. જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે થશે. વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારનો મુકાબલો ભાજપના હેમાંગ જોશી સાથે થશે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોનો પરાજય થયો હતો.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા વિધાનસભા બેઠક પરથી ઋત્વિકભાઈ મકવાણાનો વિજય થયો હતો. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હીરાભાઈ જોટવા 4208 મતોની સરસાઈથી હારી ગયા હતા. વડોદરા બેઠક પરથી જાહેર કરાયેલા ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા 6178 મતોની સરસાઈથી હાર્યા હતા.
ગુજરાતમાં ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી?
તમને જણાવી દઈએ કે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો માટે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. તમામ બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે અને પરિણામ 4મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
ગત વખતે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું ન હતું
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે સીટો આપી છે. AAP એ ભરૂચ અને ભાવનગર બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બાકીની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ભાજપે રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી.