
આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પણ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. એટલે પહેલાં શક્તિ ઉપાસનાનાં દિવસો, પછી રામ નવમી, મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ, અને હનુમાન જયંતિ એટલે કથાનો ક્રમ જળવાઈ રહે નહીં. ચૈત્રીમાં વસંતનાં ચંચળ યૌવનનું હવે એક ગંભીરતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે! એમ કહી શકાય. યુવાનીનાં ઉન્માદને જો યોગ્ય દિશા મળે, તો એ પરિણામદાઈ કાર્ય કરે, જે સર્વ જન હિતાય હોય, અને જો યોગ્ય દિશામાં તેનું પદાર્પણ થાય નહીં તો એ પતનનાં માર્ગે જાય, અને આગળ જતાં પોતાનું તથા અન્યનું પણ પતન કરી શકે, અને અન્યનાં અહિત કે પતનનું વિચારવું એ જ પાપ છે. આવતીકાલે ફાગણ વદ અગિયારસ છે, આ અગિયારસને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે. સમયનાં કાળ આ દોરમાં જવલ્લે જ કોઈનું મન વિકારિત નહીં હોય, અને મનનાં વિકારને કારણે જ પાપની પોટલી ભરાતી જાય છે. એટલે પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી કે, આ પાપ! અને આ પુન્ય,! કારણ કે દરેકનાં ચરિત્ર કોઈને કોઈ રીતે ખંડિત થયાં છે. સમાજમાં જે કંઈ કર્મ થઈ રહ્યું છે, એ પણ શુદ્ધ આશયથી થતું નથી, ક્યાંક દંભ છે, ક્યાંક છલ છે, તો ક્યાંક પદ પ્રતિષ્ઠાનો મોહ છે, ક્યાંક અહમ છે, તો ક્યાંક દેખાદેખી, કે ઈર્ષા નિંદા છે. આ અસુર વૃત્તિનાં ભાવો, આપણને ક્યારે માનવ માંથી દાનવ બનાવી દે છે, એની ખુદ આપણને પણ ખબર રહેતી નથી.જોકે માનવી વિકૃત આનંદનો આદિ થતો જાય છે. કોઈ પરેશાન થાય, પીડિત થાય, અસહાય જોઈને,કે બેબસી પર એને આનંદ આવે છે. પોતાનું દુઃખ તો માણસ સહન કરી લે છે, પણ અન્યનું સુખ તેનાથી સહન થતું નથી, અને એને કારણે સતત સ્પર્ધા, ઈર્ષા, નિંદા, જેવાં અસુરી ભાવો માનવી પર કબ્જો કરીને બેઠા છે, અને એને કારણે માનવતા વિહિન કર્મ કરતાં પણ અચકાતો નથી, જે બધાં પાપ છે.
આ અગિયારસ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. સદીઓ પહેલાં માંધાતા નામનો એક રાજા થઈ ગયો અને રાજા એ સમયનાં લોમેશ ઋષિને તે પૂછે છે, કે હે ઋષિવર જાણે અજાણે થતા પાપ કર્મમાંથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? જવાબમાં ઋષિ તેને જણાવે છે કે સદીઓ પૂર્વે ચૈત્રરથ નામનાં વનમાં કિન્નરો અને ગંધર્વોની કન્યાઓ કિંકરો સાથે પોતાનાં વાદ્ય ને બાંધીને વીણા વગાડીને આ વનમાં વિહાર કરતી, અને નૈસર્ગિક આનંદ પ્રાપ્ત કરતાં. ઘણીવાર અપ્સરાઓ પણ આ વનમાં વિહાર કરવાં આવતી હતી. આ વનમાં રહીને મુનિવર મેધાવી પોતાની સાધના માટે તપ કરી રહ્યા હતાં, અને તેઓ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. આ વનમાં મંજુઘોષા નામની એક અપ્સરા મેધાવી મુનિ તરફ આકર્ષિત થઈને આવી. પરંતુ એનાં તપનાં તેજ આગળ તે એની અત્યંત નજીક જઈ શકી નહીં, અને થોડી દૂર રહીને પોતાનાં વાદ્ય સંગીતથી મુનિને આકર્ષિત કરવા કોશિશ કરી રહી હતી. ઘણો લાંબો સમય સુધી તે પોતાનાં ગીત સંગીતથી મુનિને પ્રભાવિત કરવાની કોશિશ કરતી રહી. એક દિવસ સાચે જ મુનિવાર તેની પાસે આવ્યાં અને તેનું રૂપ જોઈ અકારણ મોહિત થઈ ગયાં. મુનીવરનું બ્રહ્મચર્ય તૂટ્યું! એક દિવસ મંજુઘોષા એ કહ્યું કે હે વિપ્રવર હવે મને મારાં લોકમાં જવું છે. મુનિએ કહ્યું કે સવારની સંધ્યા પૂજા થઈ જાય ત્યાં સુધી રોકાઈ જા. એણે કહ્યું કે એવી તો કેટલી એ સંધ્યાઓ ચાલી ગઈ, અને તમારું ધ્યાન આજે ગયું? ત્યારે મેધાવી ઋષિ ચોકી ગયાં, અને તેણે હિસાબ લગાવ્યો તો 57 વર્ષ સુધી તેમણે તેની સાથે વિહાર કર્યો હતો! એણે કહ્યું હે પાપિણી! તે મારી વર્ષોની સાધના બાળી નાખી, તે મારાં કર્યા કારવ્યાં પર પાણી ફેરવી દીધું.આમ જુવો તો ભૂલ પોતાની હતી, અને છતાં તેણે એ અપ્સરાને પિશાચ લોકમાં જવાનો શ્રાપ આપ્યો, અને અપ્સરાએ પગે પડીને માફી પણ માંગી. એણે તેને આ પાપ માંથી છૂટવા પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાં કહ્યું. પાપ મોચીની અગિયારસે વ્રત કરીને પાપમાંથી મુક્તિ મેળવાય છે.
ક્રિયા, કાર્ય, અને કર્મ એ કોઈપણ પ્રકારનાં પાપ કે પુણ્ય માટે જવાબદાર છે. બાપુ એ એકવાર કથામાં કર્મનાં ચાર પ્રકાર વિશે વાત કરી હતી, જેને થોડા ચિંતન સાથે જોઈએ. કર્તવ્યકર્મ, સુકર્મ, વિકર્મ, અને કુકર્મ! વ્યક્તિ પોતાની માટે થઈને જે કંઈ કરે તેને ક્રિયા કહેવાય, એક રીતે દરેક પ્રકારના કર્મ એ ક્રિયાનું જ બહુરૂપ કે અનન્ય રૂપ છે, કારણ કે એ પણ અંતે તો એક પ્રકારની ક્રિયા જ છે, પણ તે છતાં એને વિભાજિત કરીએ તો પોતાના પરિવારનાં ભરણપોષણ કે રક્ષણ માટે કરે તેને કર્તવ્યકર્મ કહેવાય, સમાજનું દાયિત્વ સ્વીકારીને જે કંઈ થાય તેને સુકર્મ કહેવાય, જ્યારે અન્યનું અહિત કરવાના બદ ઇરાદાથી અને પ્રકૃતિ વિરુદ્ધ થતી ક્રિયા એ કુકર્મ કહેવાય! લગભગ આટલી જાણકારીથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ વિકર્મ એટલે એવું કર્મ કે જેમાં આપણને આપણા બુદ્ધ પુરુષ, ઇષ્ટદેવ, કે સદગુરુ ભગવાન પર પણ અસૂયા થાય, એટલે કે મનમાં તેમના માટે ખોટો ભાવ આવે!: મોટાં મોટાં વિદ્વાનો ચિંતકો કે જાગૃત પુરુષો પણ આવી ભૂલ કરતાં હોય છે, એટલે કે પોતાનાં બુદ્ધ પુરુષ વિશે ખોટો વિચાર આવી જાય કે, આ તો સાવ સામાન્ય માણસ છે, અને એની હું પૂજા કરું છું!! અથવા તો એનાથી તો હું સમર્થ છું, અથવા મારી આટલી લાંબી સાધના પણ એને દેખાતી નથી, અને બીજાઓમાં વ્યસ્ત રહે છે ! એને વધુ મહત્વ આપે છે, મારી સામે જોતાં નથી, હું ખોટાં શરણમાં આવી ગયો, વગેરે વગેરે! આ છે વિકર્મ છે. ટૂંકમાં વિકાર પ્રેરક ભાવથી પ્રેરાઇને થતું કર્મ એટલે વિકર્મ! આજે સાચાં સંત મળવા એ પણ બહુ કઠિન છે, છતાં મોટેભાગે પોતાનો ઈગો હર્ટ થયો, એટલે કે એને મહત્વ દેવાયું નથી, એવા ભાવથી એ બીજા પાસે દોડી જાય છે, અને જિંદગી આખી આમ અહીંથી અહીંતહીં દોડે છે. સાચી શરણાગતિ અંત સુધી આવતી નથી, અને તેથી જ દાસ બનવાનાં લાભ કે ફાયદાથી વંચિત રહી જાય છે.
પૌરાણિક કથાનાં દ્રષ્ટાંત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ગમે તેટલું ભયંકર પાપ થયું હોય, પણ જાગ્યા ત્યારથી સવાર, એમ સમજી અને એમાંથી બહાર નીકળીને પ્રાયશ્ચિત કરવામાં આવે તો, ઈશ્વર ઘણો ઉદાર છે! એ કંઈ આપણા પાપ ગણવા બેઠો નથી, જરૂરથી કૃપા કરે છે, અને એ નહીં કરે તો આપણાં સદગુરુ ભગવાન કૃપા કરશે! અને આપણાં આવાં શાપિત કર્મની સજામાંથી બચાવશે! પરંતુ એ માટે પહેલા આપણે એનું પ્રાયશ્ચિત કરવું બહુ જરૂરી છે, એને શરણે પૂર્ણ શરણાગતિથી બેસવું પડે. તો આપણે સૌ આ પાપમોચીની એકાદશી એ ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુની આરાધના કરવાની છે. પરંતુ ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુને શોધવા ક્યાં! પૂજ્ય બાપુની જ વાતને દોહરાવીએ કે જે પોતે બે હાથે કમાતો હોય, અને ચાર હાથે વહેંચતો હોય, એ જ ચતુર્ભુજ વિષ્ણુ છે, તો એવા કોઈ સાધુ પુરુષ કે બુદ્ધ પુરુષનાં આચરણ પર ચાલીને આપણે સૌ આ પાપ મોચીની એકાદશી એ પ્રાયશ્ચિત કરીને આ જન્મ સફળ કરીએ. જય સીયારામ.
ફાલ્ગુની વસાવડા (ભાવનગર)




