Residential Sales: રહેણાંકની માંગમાં વધારો માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં 30 મધ્યમ શહેરોમાં રહેણાંક મિલકતોનું વેચાણ પણ 11 ટકા વધીને લગભગ 2.08 લાખ યુનિટ થયું છે. રિયલ એસ્ટેટ ડેટા એનાલિસ્ટ કંપની પ્રોપઇક્વિટીએ શુક્રવારે મધ્યમ શહેરોના રેસિડેન્શિયલ માર્કેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
ડેટા અનુસાર, રહેણાંકનું વેચાણ 2022-23માં 1,86,951 યુનિટની સરખામણીએ 2023-24માં 11 ટકા વધીને 2,07,896 યુનિટ થયું હતું. આ 30 મધ્યમ શહેરોના કુલ વેચાણમાં અમદાવાદ, વડોદરા, સુરત, નાસિક, ગાંધીનગર, જયપુર, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને મોહાલીનો ફાળો 80 ટકા છે. 2023-24માં આ 10 શહેરોમાં કુલ 1,68,998 રહેણાંક એકમોનું વેચાણ થયું હતું, જે 2022-23ના 1,51,706 એકમો કરતાં 11 ટકા વધુ છે.
અન્ય મધ્યમ કદના શહેરો ભોપાલ, લખનૌ, ગોવા, કોઈમ્બતુર, રાયપુર, વિજયવાડા, ઈન્દોર, કોચી, ત્રિવેન્દ્રમ, મેંગલોર, ગુંટુર, ભીવાડી, દેહરાદૂન, લુધિયાણા, ચંદીગઢ, આગ્રા, મૈસુર, સોનીપત, પાણીપત અને અમૃતસર છે.
નીચા પ્રોપર્ટીની કિંમતો અને વૃદ્ધિની સંભાવનાઓને કારણે મધ્યમ કદના શહેરોએ મોટા શહેરો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. એફોર્ડેબલ હાઉસિંગને કારણે આ શહેરોમાં વધતા મધ્યમ વર્ગનું પોતાનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.