
માનવતા શરમાય તેવી એક ઘટના સામે આવી ૧૭ વર્ષની સગીરા પોતાના બનેવી દ્વારા શારીરિક શોષણનો ભોગ બની સગીરાના પેટમાં દુખાવો થતા માતાએ તેને હોસ્પિટલ લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માનવતા શરમાય તેવી એક ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની સગીરા પોતાના બનેવી દ્વારા શારીરિક શોષણનો ભોગ બન્યા બાદ હવે આખો પરિવાર આઘાતમાં છે. સગીરાના પેટમાં દુખાવો થતા માતાએ તેને હોસ્પિટલ લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. તબીબોની તપાસમાં સામે આવ્યું કે સગીરા ૫ મહિનાની ગર્ભવતી છે, જે જાણીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પોતાની માસીની દીકરીના ઘરે જતી આવતી હતી. એ દરમિયાન માસીની દીકરીનો પતિ એટલે કે બનેવીએ સગીરાની નિર્દોષતાનો લાભ લઈ તેની સાથે છેતરપિંડીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. બનેવીની વય અંદાજે ૨૫ વર્ષ હોવાનું જણાય છે અને તે ગોડાદરા વિસ્તારમાં રહે છે. તે ઓનલાઈન ડિલિવરીનું કામ કરીને પરિવાર ચલાવતો હતો.
ઘટનાના કેટલાક મહિના બાદ સગીરાને પેટમાં સતત દુખાવો થવા લાગ્યો હતો. શરૂઆતમાં કુટુંબને સામાન્ય તકલીફ લાગતા તેમણે ઘરગથ્થુ ઉપાય કર્યા, પરંતુ સ્થિતિ ગંભીર થતાં અંતે સગીરાની માતાએ તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાનો ર્નિણય કર્યો હતો. ત્યાં તબીબોએ તપાસ કરતાં સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને માતા ચોંકી ઉઠી ગઈ અને તાત્કાલિક પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછમાં સગીરાએ ધીમે ધીમે આખી વાત બહાર પાડી હતી. તેણે જણાવ્યું કે તેની માસીની દીકરીનો પતિ વારંવાર એકલા સમયે તેની પાસે આવતો હતો અને ધમકી આપી તેની સામે શારીરિક સંબંધ બાંધતો હતો. ડર અને શરમના કારણે સગીરાએ આ બાબત કોઈને જણાવી નહોતી.
ઘટનાની ગંભીરતા સમજતા સગીરાની માતાએ તરત જ લિંબાયત પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી બનેવી વિરુદ્ધ પોક્સો અધિનિયમ તેમજ બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે વધુ પૂછપરછ ચાલુ છે.
પોલીસ સૂત્રો અનુસાર, આરોપી પોતાનો ગુનો છુપાવવા પ્રયત્ન કરી રહ્યો હતો અને તાજેતરમાં સગીરાની માતા સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મામલો દબાવી શકાય. પરંતુ તબીબી પુરાવા સામે તેની ચાલ નિષ્ફળ ગઈ હતી.




