સાયબર ઠગોએ અધિકારીને બનાવ્યા લાખોના શિકાર. RTO ચલણની નકલી APK ફાઇલથી અદાણી મેનેજરને ૩.૨૬ લાખની ઠગાઈ.ચાંદખેડામાં રહેતા ડેપ્યુટી જનરલ મેનેજરે અજાણી ફાઇલ ડાઉનલોડ કરતાં મોબાઇલનું એક્સેસ ગુમાવ્યું.ચાંદખેડા વિસ્તારમાં રહેતા અદાણી કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ RTO ના ઈ-ચલણના નામે APK ફાઇલ મોકલી મોબાઇલનું એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ મેનેજરના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.૩.૨૬ લાખની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.ચાંદખેડામાં રહેતા ૪૧ વર્ષીય ફરિયાદી અદાણી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ અગાઉ તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે RTO ચલણની APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ અસલી હોવાનું માનીને મેનેજરે તેને ડાઉનલોડ કરી હતી. જાેકે, ફાઇલ ડાઉનલોડ થતાં જ મોબાઇલમાં કેટલીક એપ્લિકેશનો આપમેળે અપડેટ થવા લાગી હતી. આ અસામાન્ય ગતિવિધિ જણાતાં તેમણે તાત્કાલિક મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને થોડા સમય બાદ ફરી ચાલુ કર્યાે હતો.આ દરમિયાન સાંજે ખરીદી કરવા ગયા ત્યારે તેમના બેંક ખાતામાંથી રૂ.૧૦૦ કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે બેંક ખાતાની તપાસ કરતાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.૩.૨૬ લાખ ઉપડી ગયાની જાણ થઈ હતી. અજાણી APK ફાઇલ મારફતે મોબાઇલનું એક્સેસ મેળવી સાયબર ગઠિયાઓએ બેંકિંગ વ્યવહારો કર્યા હોવાની આશંકા છે. આ બનાવ અંગે બેંકમાં જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.




