
નેપાળી શખ્સની ધરપકડ.નિકોલમાં વોચમેનની રૂમમાંથી ૮૩ હજારનું ચરસ ઝડપાયું.ANTF ગાંધીનગરની ટીમે બાતમીના આધારે નિકોલના ફ્લેટમાં રેડ પાડી ૩૩૩ ગ્રામ ચરસ ઝડપ્યું.શહેરમાં નશીલા પદાર્થાેની હેરાફેરી અને વેચાણ રોકવા માટે એન્ટી નાર્કાેટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ એક મોટી સફળતા મેળવી છે. નિકોલ રોડ પર આવેલા એક ફ્લેટના ચોકીદારની રૂમમાં છૂપી રીતે ચાલી રહેલા ચરસના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યાે છે. પોલીસે સ્થળ પરથી એક નેપાળી મૂળના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ૮૩ હજારની કિંમતનું ૩૩૩ ગ્રામ ગેરકાયદેસર ચરસનો જથ્થો કબ્જે કર્યાે છે. જ્યારે જથ્થો સપ્લાય કરનાર પલાયન થઇ જતા તેની શોધખોળ આદરી છે. ANTF ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલ કાનબા હોસ્પિટલથી એસ.પી. રિંગ રોડ તરફ જતા રોડ પર આવેલા ‘પોલારીસ આનંદ ફ્લેટ’ના વોચમેનના રૂમમાં ચરસનો જથ્થો છૂપાવવામાં આવ્યો છે. બાતમી પાકી હોવાથી પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના બે સરકારી અધિકારીઓને પંચ તરીકે સાથે રાખ્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેડ પાડી દરવાજાે ખખડાવ્યો હતો. રૂમમાં હાજર ઇસમની પૂછપરછ કરતા તેનું નામ માનબહાદુર ગગન બુધા (ઉં.વ. ૩૦, મૂળ રહે. ભૈરી નગરપાલિકા, નેપાળ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટની કલમ ૫૦ મુજબ તેની સંમતિ મેળવી રૂમની સઘન જડતી શરૂ કરી હતી. રૂમમાં આવેલા એક શો-કેસના વચ્ચેના ડ્રોવરને ખોલીને તપાસતા તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ખાખી સેલોટેપ વીંટેલો કથ્થઈ કલરનો નરમ પદાર્થ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે એફએસએલના મહિલા અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ પદાર્થ ‘ચરસ’હોવાનું સાબિત થયું હતું. પોલીસે તોલમાપ કરાવતા ડબ્બા સાથે કુલ ૩૮૭ ગ્રામ અને નેટ ૩૩૩ ગ્રામ શુદ્ધ ચરસ હોવાનું ખૂલ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. ૮૩,૨૫૦ થાય છે. આ સિવાય પોલીસે રૂમમાંથી ૫૦૦ની કિંમતનો SF ૪૦૦ મોડલનો ડિજિટલ વજનકાંટો, રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન, રૂ. ૨૩૦ની રોકડ રકમ તેમજ આધારકાર્ડ અને નેપાળી નાગરિકતા પ્રમાણપત્ર જપ્ત કર્યું છે. પકડાયેલા આરોપી માનબહાદુરની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ ચરસનો જથ્થો તેને બિનોદસિંગ (રહે. નેપાળ) નામના વ્યક્તિએ પૂરો પાડ્યો હતો. આ મામલે ANTF ના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્ર ભંવરલાલની ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીની વિધિવત ધરપકડ કરી છે અને ફરાર સપ્લાયર બિનોદસિંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.





