
ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરી સાથે બીજી ફિલ્મ શરૂ કરશે અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને જુલાઈ સુધીમાં પોતાનો ભાગ પૂર્ણ કરવાની શક્યતા છે
સૈયારાએ પછી મોટી સફળતા મેળવ્યા બાદ, અહાન પાંડે, અનીત પડ્ડા અને દિગ્દર્શક મોહિત સુરીની હિટ ત્રિપુટી ફરી એકવાર બીજી રોમેન્ટિક ફિલ્મ માટે સાથે આવવાની તૈયારી કરી રહી છે. એવા અહેવાલો છે કે આ બહુ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની તૈયારી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરીની આગામી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને ટીમ વિવિધ પાસાઓ પર સક્રિય રીતે કામ કરી રહી છે.એક સુત્રએ જણાવ્યું, “અહાન અને અનીત નવી રોમેન્ટિક વાર્તા માટે મોહિત સુરી સાથે ફરી જાેડાઈ રહ્યા છે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને નિર્માતાઓ ઓક્ટોબર-નવેમ્બરમાં મુખ્ય શૂટિંગ શરૂ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. સૈયારાને મળેલા અદભૂત પ્રતિસાદ પછી ટીમમાં ફરી સાથે કામ કરવાની ભારે ઉત્સુકતા છે.” હાલમાં બંને કલાકારો પોતાની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને જુલાઈ સુધીમાં પોતાનો ભાગ પૂર્ણ કરવાની શક્યતા છે. બીજી તરફ, અનીત પડ્ડા શક્તિ શાલિનીનું શૂટિંગ કરી રહી છે. તેની હાલની ફિલ્મો પૂર્ણ થયા બાદ બંને કલાકારો મોહિત સુરીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઇન્ટરનેટ પર ચાલી રહેલી અટકળોથી અલગ, આ ફિલ્મનું નામ ક્યારેય ‘સતરંગા’ નહોતું. સુત્રએ જણાવ્યું, “શીર્ષક અંગે ઘણા અહેવાલો આવ્યા છે, પરંતુ ફિલ્મનું નામ ક્યારેય સતરંગા નહોતું.” વાયઆરએફની આ આગામી ફિલ્મની જાહેરાત કરતી વખતે મોહિત સુરીએ કહ્યું હતું, “મારા માટે હંમેશા પ્રેમકથાઓ મહત્વની રહી છે. એવી ભાવનાઓ, જે એટલી બેફામ, સર્વગ્રાહી અને અવગણવી અશક્ય બની જાય. પ્રેમને તીવ્ર રીતે અનુભવવાનો હોય છે, અને તેથી જ હું વાર્તાકાર તરીકે સ્વાભાવિક રીતે આ તરફ આકર્ષિત થાઉં છું. સૈયારાની જ ટીમ સાથે પાછા આવવું ખૂબ જ ખાસ લાગે છે. ફરી મળવું, ફરી ઘરે આવવું, પરંતુ નવી સર્જનાત્મક ભૂખ સાથે- એવું લાગે છે. આ વખતે હું નવોદિત કલાકાર જેવું અનુભવું છું—આ વાર્તા માટે ઉત્સાહિત પણ છું અને થોડો ચિંતિત પણ. આશા રાખું છું કે મારું સંગીત ફરી એકવાર લોકોના દિલને સ્પર્શશે, જેમ હું હંમેશા મારી ફિલ્મો દ્વારા કરવાનો પ્રયાસ કરતો આવ્યો છું.”





