
‘ઇક્કિસ’ને મળેલા પ્રતિસાદથી ખૂબ હિમ્મત વધી – સીમર ભાટીયા બીજા કોઈ પ્રોજેક્ટ માટે ઓડિશન આપ્યું અને ઇક્કિસ મળી ગઈ : સીમર
ઇક્કિસ ફિલ્મથી અક્ષય કુમારની ભત્રીજી સીમર ભાટીયાએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું અને સારો અભિનય કર્યો હતો તાજેતરમાં ઇક્કિસ ફિલ્મથી અક્ષય કુમારની ભત્રીજી સીમર ભાટીયાએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું છે કે તેની પહેલી ફિલ્મને મળેલા પ્રતિસાદથી હવે તેની હિંમત વધી છે. સિમર હવે પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે આશાવાદી દેખાઈ રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન સિમરે પોતાના અનુભવો વિશે વાત કરી હતી.શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરેલી આ વોર ડ્રામા પછી જીવનમાં આવેલાં પરિવર્તન વિશે સિમર કહ્યું,“ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેનાથી મને પ્રોત્સાહન મળ્યું છે. એક ક્ષણ જે હંમેશા યાદ રહેશે, જ્યારે અમિત જી (અમિતાભ બચ્ચન)એ મારા પરફોર્મન્સ વિશે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો હતો અને ફિલ્મમાં તેમનાં મનપસંદ સીન વિશે પણ વાત કરી હતી. તેમને આવું કરવું જરૂરી નહોતું, છતાં તેમણે ખૂબ ઉદારતા અને સ્નેહ સાથે પ્રતિભાવ આપ્યો હતો. કારકિર્દીના શરૂઆતના તબક્કે આવો પ્રતિસાદ મળવો ખૂબ આશ્વાસન આપનારો અને પ્રેરણાદાયી છે.”આ ફિલ્મમાં કામ મળવા વિશે સિમર કહે છે,
“હું તો બીજી એક ફિલ્મ માટે ઓડિશન આપવા ગઈ હતી. તે પ્રક્રિયા દરમિયાન મને ‘ઇક્કિસ’ માટે ઓડિશન આપવા કહેવામાં આવ્યું. કેટલાક રાઉન્ડ પછી મને એક ફોન આવ્યો, ‘તમે સિલેક્ટ થઈ ગયા છો.’ જે કોઈ પણ માટે જીવન બદલી નાખે એવી વાત હોય છે. દિનુ સર (દિનેશ વિજાન)એ ફોન કરીને અભિનંદન આપ્યા અને કહ્યું કે ચાર દિવસમાં શૂટ માટે નીકળવાનું છે. મારું દિલ જાેરથી ધબકતું હતું, હાથ કાંપતા હતા. એવું લાગ્યું જાણે સ્કૂલનો સૌથી કૂલ વ્યક્તિ તમને પસંદ કરે… બસ એ ભાવનાથી પણ આ ઉત્સાહ સો ગણો વધુ હતો!”‘ઇક્કિસ’ પછી આગળ શું, એ સવાલ પર સિમર કહે છે, “હજુ કંઈ ચોક્કસ કહેવું થોડું વહેલું છે. ઘણું બધું હજુ મારા હાથમાં નથી. પરંતુ હું આશા રાખું છું કે આગળ જે પણ કામ આવે તે ઘણા દર્શકોને પસંદ આવે અને ફરી એક વાર હું દિલનો એક હિસ્સો તેના માટે આપી શકું.”




