એલિયન સામે લડશે અક્ષય કુમાર પહેલીવાર ‘સમુક’ના મોશન પોસ્ટરમાં અક્ષયનો મિલિટરી અવતાર, રિલીઝ ડેટ જાહેર વિપુલ અમૃતલાલ શાહ સાથેની સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ૨૮ મે ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં આવશે
અક્ષય કુમાર હવે સાયન્સ ફિક્શનની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથેની તેની આગામી ફિલ્મ ‘સમુક’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં ફિલ્મની એલિયન આધારિત કહાનીની પ્રથમ ઝલક જાેવા મળે છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ૨૮ મે, ૨૦૨૭ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર લશ્કરી અંદાજના રફ લૂકમાં જાેવા મળે છે. તેના હાથમાં રાઇફલ છે અને તેની સામે કોઈ અજાણી પરગ્રહવાસી શક્તિના વિશાળ હાથની ભયાનક આકૃતિ દેખાય છે. પોસ્ટર સાથે ‘ધ મિશન ઇઝ હ્યુમન બટ ધ એનિમી ઇઝન્ટ’ ટૅગલાઇન પણ રજૂ કરવામાં આવી છે. આ ટૅગલાઇન પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં માનવજાતનો સામનો કોઈ અજાણી પરગ્રહવાસી શક્તિ સાથે થવાનો છે. ફિલ્મમાં માનવ અસ્તિત્વ અને બચાવ માટેના સંઘર્ષને રજૂ કરવામાં આવશે. જાેકે, આ જાહેરાત ફિલ્મની કાસ્ટ, પાત્રો કે વાર્તા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આગામી અપડેટમાં ફિલ્મ વિશે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. ‘સમુક’માં અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ અગાઉ બંનેએ ‘આંખેં’, ‘વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’, ‘નમસ્તે લંડન’, ‘સિંગ ઇઝ કિંગ’ અને ‘એક્શન રિપ્લે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કોમેડી, ડ્રામા, રોમાન્સ અને એક્શન બાદ આ જાેડી હવે સાયન્સ ફિક્શન જાેનરમાં હાથ અજમાવી રહી છે.




