
ગૌહત્યારાઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી સરકારને કર્યા સવાલ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાય માતાની યાદ આવી. ભાજપને ગાય માતાના નામે રોટલા શીખવાની ટેવ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ રીતે કહેતા હતા કે “ગાયમાતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દઈએ.” ગુજરાતમાં આપણે હાલ જોઈ રહ્યા છીએ કે કસાઈઓ ગાડીમાં આવીને ગાય માતાની હત્યા કરે છે અને તેને લઈ જાય છે. ગૃહમંત્રીને હું કહેવા માંગીશ કે તમે તમારી પોલીસને પૂછો કે આ કસાઈઓ બેફામ કેમ બન્યા? બે પગવાળા આખલાઓ આજે ગૌચર ચરી ગયા એના કારણે ગાય માતા રોડ પર આવી છે અને તેને કસાઈઓ લઈ જાય છે.
આમ આદમી પાર્ટીના નેતા કિરણ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી, વડાપ્રધાન, ગૃહમંત્રીને અગાઉ લેટર લખીને મેં જાણ કરી હતી કે 55000થી વધારે ગાયો ગુમ છે. થોળમાં મહેસાણા કમિશનરને પત્ર લખ્યો હતો કે ગાય માતાની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે પરંતુ ગુનેગાર વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. તો હું નાયબ મુખ્યમંત્રીને કહીશ કે ફાંકા ફોજદારી બંધ કરો, હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ગાય માતાની સૌથી ખરાબ હાલત થઈ હોય તો તમારા રાજમાં થઈ છે. આજે તમારા રાજમાં ગાય માતા રખડતી થઈ ગઈ છે. તમારા રાજમાં ગુજરાત દેશમાં પહેલું એવું રાજ્ય છે જ્યાં ગાય માતા માટે લાયસન્સ લેવું પડે અને જ્યાં ખુલ્લેઆમ કસાઈઓ ફરી રહ્યા છે. માટે ગૃહ મંત્રીને કહેવા માંગીશ કે તમારા મોઢે ગાય માતાની વાતો સારી નથી લાગતી. ગાય માતાની હત્યા કરનારી અને ખુલ્લેઆમ માંસ મટન વેચનારી કંપની પાસેથી તમે 250 કરોડનું ફંડ લીધું છે. જો ખરેખર ટાંટિયા તોડવાની વાત કરતા હોય, તો અમે તમારી સાથે છીએ, અમે તમને બતાવીશું કે કેટલી જગ્યાએ કસાઇઓ ગાય માતાને લઈ જાય છે. ગાય માતાના હિતની વાત હશે તો આજે પણ અમે તમારી સાથે ઉભા છીએ, પણ સાચી વાત કરો અને લોકોને મૂર્ખ બનાવવાની વાતો બંધ કરો.




